તમિલનાડુની વિપક્ષી પાર્ટી AIADMKમાં ઘમાસાણ
પાર્ટીની બેઠકમાં પનીરસેલ્વમ અને પલાનીસામીના સમર્થકો વચ્ચે ઘર્ષણ
પલાનીસામીના સમર્થકોએ પૂર્વ ડેપ્યુટી સીએમ પનીરસેલ્વમ પર ફેંકી પાણીની બોટલો
રાજકીય નેતાઓ ક્યારે છેલ્લી પાટલીએ ઉતરી જાય તે કહેવાય નહીં. પાર્ટીની બેઠકમાં પણ ક્યારે ન થવાનું થતું હોય છે. તામિલનાડુમાં જયલલિતાની પાર્ટી AIADMKમાં ખળભળાટ મચી ગયો છે. આજે પાર્ટીની જનરલ કાઉન્સિલની બેઠકમાં AIADMKના સંયોજક અને પૂર્વ ઉપમુખ્યમંત્રી ઓ પન્નીરસેલ્વમ પર પાણીની બોટલો ફેંકવામાં આવી હતી. આ બેઠક ચેન્નાઈના વનાગરામના શ્રીવરુ વેંકટચલપતિ પેલેસમાં યોજાઈ હતી. સભામાં ધાંધલ ધમાલ જોઈને પન્નીરસેલ્વમ પોતાના સમર્થકો સાથે ભાગી ગયા હતા.
પાર્ટીના આ તમામ મુદ્દાઓ પર આજે બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં અનેક દરખાસ્તો પર ચર્ચા થવાની હતી. તેમાં એક જ નેતાગીરીનો પ્રસ્તાવ પણ સામેલ હતો, પરંતુ આ વચ્ચે હંગામો શરૂ થયો અને મામલો એટલો આગળ વધી ગયો કે પન્નીરસેલ્વમ પર પાણીની બોટલો ફેંકવામાં આવી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કાઉન્સિલની આગામી બેઠક હવે 11 જુલાઈ, 2022 ના રોજ યોજાશે.
વાસ્તવમાં એઆઈએડીએમકેમાં નેતૃત્વને લઈને વિવાદ ચાલી રહ્યો છે. હાલ પાર્ટીમાં બે કેમ્પની રચના કરવામાં આવી છે, જેમાંથી એક ઓ પન્નીરસેલ્વમ અને બીજી પલાનીસ્વામીની છે. પલાનીસ્વામી છાવણી એક જ નેતૃત્વની માગણી કરી રહી છે, પરંતુ પન્નીરસેલ્વમ જૂથ પીછેહઠ કરી રહ્યું છે. પન્નીરસેલ્વમ અને તેમના સમર્થકો ઇચ્છે છે કે પાર્ટીમાં બેવડા નેતૃત્વનું માળખું ચાલુ રહે.