ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત ATS દ્વારા મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. ICG જહાજે ATS ગુજરાત સાથેના સંયુક્ત ઓપરેશનમાં 06 ક્રૂ મેમ્બર સાથે 50 કિલો હેરોઈન ઝડપી પાડવામાં આવ્યું છે. આ સાથે પાકિસ્તાની બોટ અલ-સાકરને IMBL નજીકથી આજે સવારે 350 કરોડ રૂપિયાની માર્કેટ કિંમતના 50 કિલો હેરોઈન સાથે ઝડપી પાડવામાં આવી છે.
ICG જહાજોએ તોફાની દરિયા અને ખરાબ હવામાન વચ્ચે બહાદુરી બતાવતા આ જહાજની ઝડપી પાડ્યું હતું. આ બોટને વધુ તપાસ માટે જખૌ લાવવામાં આવી રહી છે. ત્યા તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. માહિતી પ્રમાણે અલ-સાકાર નામની પાકિસ્તાની બોટ સાથે 6 પાકિસ્તાની નાગરિકની ધરપકડ કરવામાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે ભારતીય કોસ્ટ ગાર્ડ સાથે એટીએસે છેલ્લા એક વર્ષમાં આ છઠ્ઠું ઓપરેશન પાર પાડ્યું છે. ઉલ્લેખનીય છે કે 14 સપ્ટેમ્બરના રોજ પાકિસ્તાની બોટમાંથી આશરે 200 કરોડની કિંમતનું 40 કિલો હેરોઇન પકડવામાં આવ્યું હતું. એટલે કે તે ઓપરેશનના એક મહિના કરતાં ઓછા સમયમાં બીજું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે.
ભારતીય કોસ્ટ ગાર્ડ અને ATSએ ખરેખર સિનર્જી અને જોઈન્ટમેનશિપનું ઉત્તમ ઉદાહરણ સ્થાપિત કર્યું છે. ભારતીય કોસ્ટ ગાર્ડ અને ATSની આવી કામગીરી ખરેખર બીરદાવવા લાયક છે. કારણ કે, છેલ્લા એક જ વર્ષમાં આ છઠ્ઠું આપરેશન પાર પાડવામાં આવ્યું છે.
જ્યારે આ મહિનામાં બીજું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. આ સાથે છ આરોપીને પણ પકડી પાડવામાં આવ્યા છે. ગુજરાતના દરિયાઈ વિસ્તારમાંથી 14 સપ્ટેમ્બરે એન્ટી ટેરર સ્ક્વોડ અને ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા પંજાબમાં લઇ જવાઈ રહેલું ડ્રગ્સ ગુજરાતના દરિયામાં જ ઝડપી લેવામાં આવ્યું હતું.
માહિતી પ્રમાણે એટીએસ અને ભારતીય કોસ્ટ ગાર્ડની ટીમે ગુજરાતના દરિયા કિનારેથી અરબી સમુદ્રમાં પાકિસ્તાની ફિશિંગ બોટમાંથી 200 કરોડ રૂપિયાની કિંમતનું 40 કિલો હેરોઈન જપ્ત કર્યું હતું. ગુજરાતના દરિયાકાંઠેથી 33 નોટિકલ માઈલ દુર પાકિસ્તાની બોટને દૂર ભારતીય જળસીમામાં પકડી પડવામાં આવી હતી.