કર્ણાટકની સિની શેટ્ટીએ મિસ ઈન્ડિયા-2022 નો ખિતાબ જીત્યો
રાજસ્થાનની રૂબલ શેખાવત ફર્સ્ટ રનર અપ બની
કર્ણાટકાની સુંદરી બની દેશની સુંદરી
દેશને આ વર્ષની મિસ ઈન્ડિયા મળી ગઈ છે. કર્ણાટકની સિની શેટ્ટીએ મિસ ઈન્ડિયાનો સુંદર તાજ જીત્યો છે. તેણે 31 ફાઇનલિસ્ટને હરાવીને આ શાનદાર સ્થાન હાંસલ કર્યું છે. જ્યારે રાજસ્થાનની રૂબલ શેખાવત ફર્સ્ટ રનર અપ બની છે અને ઉત્તર પ્રદેશની શિનાતા ચૌહાણ સેકન્ડ રનર અપ જાહેર થઈ છે.
દર વખતની જેમ આ વખતે પણ આ મિસ ઈન્ડિયા સ્પર્ધા ખૂબ જ અઘરી અને મનોરંજક હતી. સ્પર્ધા એટલી અઘરી હતી કે 6 જજોની પેનલે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને વિજેતાની પસંદગી કરી હતી. આ વખતે જજની પેનલમાં મલાઈકા અરોરા, નેહા ધૂપિયા, ડીનો મોરિયા, રાહુલ ખન્ના, રોહિત ગાંધી અને શામક ડાબરનો સમાવેશ થાય છે. આ સિવાય બોલિવૂડની બીજી ઘણી હસ્તીઓ પણ આ ઈવેન્ટમાં પહોંચી હતી. ક્રિતી સેનનથી લઈને બીજી ઘણી અભિનેત્રીઓએ રેડ કાર્પેટ પર પોતાનો દબદબો ફેલાવ્યો. નેહા ધૂપિયા માટે આ તક વધુ ખાસ બની ગઈ કારણ કે તેને મિસ ઈન્ડિયાનો તાજ જીત્યાને 20 વર્ષ થઈ ગયા છે. આવી સ્થિતિમાં કાર્યક્રમ દરમિયાન તેમની સફળતાની ઉજવણી પણ કરવામાં આવી હતી.
આ વખતે મિસ ઈન્ડિયાની ફિનાલે મુંબઈના Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં યોજાઈ હતી. મોટા પાયે આયોજિત આ કાર્યક્રમમાં તમામ સ્પર્ધકોએ તેમની સુંદરતા તેમજ તેમની સ્પોટ-ઓન રિસ્પોન્સ સ્ટાઇલથી લોકોના દિલ જીતી લીધા હતા. પરંતુ આ રેસમાં સૌથી આગળ સિની શેટ્ટી હતી, જેને આ વર્ષની મિસ ઈન્ડિયા જાહેર કરવામાં આવી હતી.
મળતી માહિતિ મુજબ સિની શેટ્ટી હાલમાં ચાર્ટર્ડ ફાઇનાન્સિયલ એનાલિસ્ટ (CFA) કોર્સ કરી રહી છે. તેને ડાન્સનો પણ ખૂબ શોખ છે અને તે ભરતનાટ્યમ શીખી રહી છે સિની શેેટ્ટીએ વધુમાં જણાવ્યું કે તેણે ચાર વર્ષની ઉંમરે નૃત્ય કરવાનું શરૂ કર્યું. 14 વર્ષની ઉંમર સુધી તેણે ઘણા સ્ટેજ પર પરફોર્મન્સ પણ આપ્યું. જો કે શેટ્ટી ચોક્કસપણે કર્ણાટકના રહેવાસી છે, પરંતુ તેનો જન્મ માયાનગરી મુંબઈમાં થયો હતો.