દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 16 હજાર 522 થઈ ગઈ
દેશમાં કોરોનાના કારણે 30 લોકોના મોત નિપજ્યાં
વડાપ્રધાન મોદી બુધવારે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કરશે ચર્ચા
ફરી એકવાર ભારતમાં દિવસે ને દિવસે સતત કોરોનાનો ગ્રાફ વધી રહ્યો છે. દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 2,541 કેસ નોંધાયા છે. ત્યારે કોરોનાના કારણે 30 લોકોના મોત થયા છે. ભારતમાં હાલમાં સંક્રમણનો દર 0.84 ટકા છે. તો એક્ટિવ કેસોની સંખ્યા પણ વધીને 16 હજાર 522 થઈ ગઈ છે. જ્યારે દેશમાં છેલ્લાં 24 કલાકમાં 1,862 લોકો કોરોનાને માત આપી ચૂક્યાં છે.
તમને જણાવી દઈએ કે, દિલ્હીમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 1,083 કેસ નોંધાયા હતા અને એક વ્યક્તિએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. હાલમાં દિલ્હીમાં કોરોનાના 3,975 એક્ટિવ કેસ છે. તો સંક્રમણ દર 4.48 ટકાએ પહોંચી ગયો છે. ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચે જણાવ્યું છે કે, ગઈ કાલે ભારતમાં કોરોના વાયરસ માટે 3,02,115 સેમ્પલ ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતાં, ગઈ કાલ સુધીમાં કુલ 83,50,19,817 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યાં છે.
કોરોનાના આંકમાં છેલ્લાં કેટલાંક દિવસોથી મોટો ઉછાળો આવતો જોવા મળી રહ્યો છે. રવિવારે પણ દેશમાં કોરોનાના નવા 2593 કેસ નોંધાયા હતાં જ્યારે 44નાં મોત થયા હતાં. વધતા જતા કોરોનાના કેસ વચ્ચે વડાપ્રધાન મોદી બુધવારના રોજ મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાતચીત કરવા જઈ રહ્યાં છે. આ બેઠકમાં સંક્રમણ અંગે ચર્ચા કરવામાં આવશે. દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણ એક પ્રેઝન્ટેશન પણ આપશે.