દેશમાં કોરોનાના કેસોમાં પુનઃ વધારો થઈ રહ્યો
દેશમાં છેલ્લા 24 કલાકમાં 20,038 નવા કેસો આવ્યા સામે
છેલ્લા 24 કલાક દરમિયાન 47 લોકોની સંક્રમણથી મોત
દેશમાં કોરોનાના કેસોમાં પુનઃ વધારો થઈ રહ્યો છે. ત્યારે ગુરૂવાર બાદ શુક્રવારે એટલે કે, સતત બીજા દિવસે પણ કોરોનાના 20 હજારથી વધુ કેસો નોધાયા છે.
કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલયના જણાવ્યા અનુસાર સમગ્ર દેશમાં છેલ્લા 24 કલાકમાં 20,038 નવા કેસો સામે આવ્યા છે. જેની સામે એક્ટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અને હવે આ આંક 1.39 લાખ પર પહોંચી જવા પામ્યો છે. આમ દેશમાં લગભગ 145 દિવસ બાદ ગઈકાલે 20 હજારથી દૈનિક કોરોના કેસો સામે આવ્યા બાદ આજે પણ 20,038 નવા કેસો નોંધાયા છે. જેને પગલે સમગ્ર દેશમાં સંક્રમિતનો કુલ સંખ્યા 4,37,10,027 પર પહોંચી ગઈ છે. જ્યારે છેલ્લા 24 કલાક દરમિયાન 47 લોકોની સંક્રમણથી મોત થતાં મૃતાંક 5,25,604 થયો છે.
મંત્રાલાયના જણાવ્યા અનુસાર ગઈકાલે ગુરૂવારે દેશમાં એક જ દિવસમાં કોરોના સંક્રમણના 20,139 નવા કેસો સામે આવ્યા છે. 20 હજારથી વધુ નવા કેસો સામે આવતાં સંક્રમિતોની સંખ્યા 4,36,89,989 પર પહોંચી ગઈ છે, કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલયે જણાવ્યું છે કે, હાલ કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યામાં 1,36,076 થી વઘીને 1,39,073 પર પહોંચી ગઈ છે.
બીજી તરફ સમગ્ર દેશમાં આજથી એટલે કે 15 જુલાઈથી, કોરોના (COVID 19) નો બૂસ્ટર ડોઝ મફતમાં આપવાનું શરૂ થઈ ગયું છે. આ અગાઉ ત્રીજા ડોઝ માટે લોકોને પૈસા ખર્ચવા પડતા હતા, પરંતુ આઝાદીના અમૃત મહોત્સવના અવસર પર PM મોદી સરકારે આગામી 75 દિવસ સુધી મફતમાં આપવાની જાહેરાત કરી છે.આ નિર્ણય થોડા દિવસો પહેલા પીએમ મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકમાં લેવામાં આવ્યો હતો. આ પછી પીએમ મોદીએ પોતે ટ્વીટ કરીને કહ્યું હતું કે રસી એ કોરોના સામેની લડાઈ છે. આ નિર્ણય ભારતની રસીકરણ અભિયાનને આગળ વધારવા માટે કામ કરશે.