આખરે એલન મસ્કને પોતાની ભૂલ સમજાતા તેઓએ હવે કર્મચારીઓને પરત બોલાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આખરે વિશ્વના સૌથી અમીર વ્યક્તિ અને ટ્વિટરના નવા બોસ એલન મસ્કને પોતાની ભૂલ સમજાઈ ગઇ. તેઓએ પોતાના ટ્વિટમાં સ્વીકાર્યું હતું કે ‘ટ્વિટરમાં મોટા પાયે છટણીનો નિર્ણય એ તેમની સૌથી મોટી ભૂલ હતી.’ નોંધનીય છે કે કંપનીની કમાન સંભાળવાની સાથે જ તેઓએ અહીં કામ કરતા લગભગ અડધા કર્મચારીઓને બહારનો રસ્તો બતાવી દીધો હતો.
આખરે ટ્વિટરમાં એલન મસ્કનું ઓપરેશન ક્લીન તેમની પર ભારે પડી રહ્યું છે. આ પ્રકારનું નિવેદન ખુદ કંપનીના નવા બોસ એલન મસ્કનું છે. કારણ કે તેઓને હવે પોતાની ભૂલનો અહેસાસ થઇ ગયો છે. એલન મસ્કે લેટેસ્ટ ટ્વિટમાં લખ્યું છે કે, ‘જ્યારે હું ખોટો હોઉં ત્યારે એ સ્વીકારવું ખૂબ જ જરૂરી છે અને કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવા એ ખરેખર મારી સૌથી મોટી ભૂલમાંની એક ભૂલ હતી.’
પોતાની ભૂલ સ્વીકારીને અન્ય એક ટ્વિટમાં તેઓએ ટ્વિટ પર પરત બોલાવેલા બે કર્મચારીઓ સાથેનો ફોટો પણ શેર કર્યો હતો. મસ્કે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, ‘લિગ્મા એન્ડ જોનસનમાં તમારું સ્વાગત છે.’ તમને જણાવી દઈએ કે એલન મસ્કે છટણીની તલવાર ચલાવ્યા બાદ અનેક કર્મચારીઓને કામ પર પરત આવવા માટેની વિનંતી કરી હતી. દરમ્યાન તેઓએ પોતાના બે કર્મચારીઓને પરત હાયર પણ કરી લીધા છે. મસ્કે મંગળવારે જણાવ્યું હતું કે, રાહુલ લિગ્મા અને ડેનિયલ જોહ્ન્સનને બરતરફ કરવા એ ખોટું હતું અને તેઓ તેમને કંપનીમાં પરત લાવી રહ્યાં છે.
Welcoming back Ligma & Johnson! pic.twitter.com/LEhXV95Njj
— Elon Musk (@elonmusk) November 15, 2022
એલન મસ્કે ટ્વિટરની કમાન હાથમાં લીધા પહેલા ટ્વિટરમાં લગભગ 7,500 કર્મચારીઓ કામ કરતા હતા, પરંતુ તેમાંથી લગભગ અડધા લોકોને મસ્કે બરતરફ કર્યા હતા. બાકીના બચેલા કર્મચારીઓ કંપનીમાં દિવસ-રાત કામ કરવા મજબૂર છે. મસ્કે કંપનીમાં ઓપરેશન ક્લીન શરૂ કરી પહેલા સીઈઓ પરાગ અગ્રવાલ સહિત ત્રણ વરિષ્ઠ અધિકારીઓને બરતરફ કર્યા હતા. બાદમાં બોર્ડના તમામ ડિરેક્ટરોને બરતરફ કર્યા હતા અને પછીથી તેઓએ એકાએક અડધા કર્મચારીઓની છટણી કરી દીધી હતી.