કાનપુર હિંસાનો માસ્ટર માઇન્ડ હયાત ઝફર હાશમી પોલીસ શકંજામાં
હયાત ઝફર હાશમી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે
આની પાછળ બીજા પણ ઘણા લોકો હોવાનું પોલીસન તારણ
ઉત્તર પ્રદેશના કાનપુરમાં શુક્રવારે નમાજ બાદ કેટલાક વિસ્તારોમાં હિંસા ફાટી નીકળી હતી. આ કેસમાં પોલીસ સમગ્ર મામલાનો માસ્ટર માઇન્ડ ઝફર હયાતને શોધી રહી હતી. આ માટે પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની અનેક ટીમો તૈનાત કરવામાં આવી હતી. ત્યારે પોલીસે શનિવારે બપોરે મુખ્ય આરોપીને કસ્ટડીમાં લીધો છે. હયાતની ક્રાઈમ બ્રાન્ચે લખનૌથી ધરપકડ કરી છે. તમને જણાવી દઈએ કે હયાત ઝફર હાશમી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તે પહેલા પણ ઘણી વખત લોકોને ભડકાવી ચૂક્યો છે. સીએએ અને એનઆરસી વિરોધ દરમિયાન પણ તે ખુબજ સક્રિય હતો.
આ સાથે પોલીસ અધિકારીઓનું કહેવું છે કે આની પાછળ બીજા પણ ઘણા લોકો છે, જેઓ ભીડને એકત્ર કરીને હંગામો મચાવવામાં સામેલ છે. પોલીસ આવા લોકોની માહિતી એકઠી કરી રહી છે. ગુપ્તચર વિભાગ પણ તેના સ્તરેથી આવા લોકોની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. પોલીસની અન્ય કેટલીક પાંખોએ પણ ગોપનીય રીતે તપાસ શરૂ કરી છે.
આ હિંસક મામલો ગરમ થવા પાછળનું કારણ એ હતું કે, બીજેપી પ્રવક્તા નુપુર શર્માની ટિપ્પણીથી મુસ્લિમ સમાજના લોકોમાં નારાજગી છે, જેના કારણે કાનપુરમાં શુક્રવારની નમાજ બાદ હંગામો થયો હતો. આ દરમિયાન લઘુમતી સમુદાયના લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે ભીડને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ કર્યો અને લોકોને ભગાડી દીધા. જોહર ફેન્સ એસોસિએશન અને અન્ય મુસ્લિમ સંગઠનોએ પહેલાથી જ મુસ્લિમ સમુદાયને શુક્રવારે વેપાર-ધંધા બંધ રાખવાની અપીલ કરી હતી. આ દરમિયાન આ વિવાદ સામે આવ્યો હતો.