- દેશ પર વાવાઝોડાનો ખતરો
- ‘આસની’ ચક્રવાત વધી રહ્યું છે આગળ
- 17 રાજ્યોમાં વર્તાશે ‘આસની’ની અસર
દેશ પર એક વાર ફરીથી વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીથી ઉદ્ભવેલા ‘આસની’ નામનું વાવાઝોડું આગામી 24 કલાકમાં ઓડિશાના કાઠે પહોંચે તેવી શક્યતા સેવાઇ રહેલી છે. આ દરમિયાન અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. વર્ષનું પ્રથમ ચક્રવાતી તોફાન ‘આસની’ મંગળવારે પશ્ચિમ બંગાળ અને ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં તેની અસર કરશે
હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર બંગાળ અને ઓડિશાના દરિયાઈ વિસ્તારોમાં 90થી 125 કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફુંકાઈ શકે છે. દરમ્યાન ઘણી જગ્યાએ વરસાદ પણ પડશે. તોફાનની અસર બિહાર, ઝારખંડ, છત્તીસગઢમાં પણ રહેશે. 11થી 13 મે સુધી અહીં વરસાદ વરસશે. સાથે-સાથે જોરદાર પવન પણ ફુંકાશે. હવામાન વિજ્ઞાન કેન્દ્ર ભુવનેશ્વરે જણાવ્યું હતું કે, ચક્રવાતી તોફાન ‘આસની’ છેલ્લાં 6 કલાક દરમિયાન 12 કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધ્યું હતું.
તે હાલમાં પુરીથી લગભગ 590 કિમી દક્ષિણ-પશ્ચિમ અને ગોપાલપુર, ઓડિશાથી લગભગ 510 કિમી દક્ષિણ-પશ્ચિમમાં છે. ચક્રવાત ‘આસની’ હાલ દક્ષિણ પૂર્વ આંદામાનમાં છે જે ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે. 10મી મે સુધીમાં તે દિશામાં આગળ વધી શકે છે. ત્યાર બાદ તે ઓડિશાને સમાંતર આગળ વધશે. સાંજ સુધીમાં પુરીના દક્ષિણ ભાગે પહોંચે તેવી શક્યતા છે. હવામાન ખાતાના જણાવ્યાં મુજબ ઓડિશા, બંગાળ અને આંધ્ર પ્રદેશમાં ભારે વરસાદનું અલર્ટ જાહેર કરાયું છે.
‘આસની’એ હવે ગંભીર સ્વરૂપ ધારણ કરી લીધું છે અને ભીષણ ચક્રવાતનું સ્વરૂપ ધારણ કરી લીધું છે. બંગાળની ખાડીમાં સક્રિય ‘આસની’ તોફાનની અસર દેખાવવાની શરૂ થઈ ગઈ છે. બિહારના અનેક જિલ્લાઓમાં સવારથી આકાશમાં વાદળો છવાયેલા છે. તોફાનના કારણે 12મેના રોજ પૂર્વ-પશ્ચિમ ચંપારણ, શિવહર, સીતામઢી, બાંકા, મધુબની, કિશનગંજ, ભાગલપુર સહિત 15 જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી છે.
આ સાથે IMD કોલકાતાએ પશ્ચિમ બંગાળના હાવડા, કોલકાતા, હુગલી અને પશ્ચિમ મિદનાપુર જિલ્લામાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી પણ કરી છે. વાવાઝોડા દરમિયાન લોકોને સલામત સ્થળે રહેવાની સલાહ આપવામાં આવી છે. ઓડિશાના રાહત કમિશનર પીકે જેનાએ જણાવ્યું કે, રાજ્યના 4 બંદરો પારાદીપ, ગોપાલપુર, ધમરા અને પુરીને ડેન્જર ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યાં છે. આ વિસ્તારોમાં NDRF અને ODARF તૈનાત કરવામાં આવ્યા છે. અમે દરિયાઈ વિસ્તારોમાં તમામ માછીમારોને એલર્ટ જાહેર કર્યું છે.