ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીની તારીખોની જાહેરાતોની ચર્ચાની વચ્ચે આજે માત્ર હિમાચલ પ્રદેશની તારીખો ચૂંટણી પંચ દ્વારા જાહેર કરી દેવાઈ છે. જેમાં 12 નવેમ્બરના રોજ મતદાન યોજાશે અને મતગણતરી 08 ડિસેમ્બર, 2022ના રોજ હાથ ધરાશે.હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણી એક તબક્કામાં યોજાશે.
હિમાચલ પ્રદેશમાં 68 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે, જ્યારે ગુજરાતમાં 182 બેઠકો પર ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થશે. આ બંને રાજ્યોમાં ભાજપનું શાસન છે. હિમાચલમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર ટક્કર થશે, જ્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટી આ વખતે તનતોડ મહેનત કરી રહી છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ છેલ્લા ઘણા દિવસોથી ગુજરાત પર ફોકસ કરી રહ્યા છે. જો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપરા છાપરી ગુજરાતના પ્રવાસો યોજી રહ્યા છે.
ચૂંટણી પંચે પ્રેસ કોન્ફ્રન્સ દરમિયાન જણાવ્યું છે કે, 80 વર્ષથી વધારે ઉંમરના લોકો, વિકલાંગ અથવા કોવિડ સંક્રમિત જે વોટ આપવા માગે છે, પણ પોલિંગ બૂથ સુધી જઈ શકતા નથી, પંચ તેમના ઘરે જઈને વોટ કરવાની સુવિધા આપશે. તેમણે કહ્યું કે, તમામ મતદાન કેન્દ્ર સુગમ, સુરક્ષિત અને સહજ હશે, તમામ મતદાન કેન્દ્ર ગાઉન્ડ ફ્લોર પર રાખવામાં આવશે. પાણી, વેટિંગ શેડ, ટોયલેટ, લાઈટીંગની સુવિધા હશે.
ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી આયુક્ત રાજીવ કુમારે પ્રેસ કોન્ફ્રેંસને સંબોધન કરતા કહ્યું કે, અમે વિધાનસભાની સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી કરાવવા માટે કટિબદ્ધ છીએ, નવા મતદારો, મહિલાઓ, વૃદ્ધો, દિવ્યાંગજનોની ભાગીદારી મહત્વપૂર્ણ છે. કોશિશ રહેશે કે વધારેમાં વધારે લોકો મતદાનમાં ભાગ લે.