ઠંડીની શરૂઆતની સાથે જ ઘાટીમાં ભારે હિમવર્ષા શરૂ થઈ ગઈ છે. હિમવર્ષાના કારણે પર્યટકો માટે વાતાવરણ ખૂબ જ આહલાદક બની ગયું છે, તો બીજી તરફ બરફની ચાદરના કારણે રસ્તાઓ પણ બંધ થઈ ગયા છે. કાશ્મીરને દેશના બાકીના ભાગો સાથે જોડનાર એક વૈકલ્પિક લિંક મુગલ રોડ ભારે હિમવર્ષાને કારણે વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો, કારણ કે મોટા ભાગના ઊંચાઈવાળા વિસ્તારોમાં રાત્રિ દરમિયાન હળવીથી મધ્યમ હિમવર્ષા થઈ હતી.
જો કે, શ્રીનગર-જમ્મુ નેશનલ હાઈવે પર વાહનવ્યવહાર સામાન્ય રીતે ચાલી રહ્યો છે, જ્યારે જમ્મુ અને કાશ્મીરના મોટા ભાગોમાં વરસાદને કારણે અસર થઈ છે. અધિકારીઓએ જણાવ્યું કે, પોશાન અને પીરની ગલીની વચ્ચે જમીન પર પાંચ ઈંચથી વધારે બરફ જમા થઈ ગયો છે, જે જમ્મુ પ્રાંતના પુંછ અને રાજૌરી જિલ્લાના દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લા સાથે જોડે છે.
હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવ હેઠળ જમ્મુ અને કાશ્મીરમાં 10 નવેમ્બર સુધી વરસાદ અને હિમવર્ષા સાથે પ્રતિકૂળ હવામાનની આગાહી કરી છે. તમને જણાવી દઈએ કે 11,433 ફૂટ ઉંચી પીર કી ગલીમાં ભારે હિમવર્ષાને કારણે મોગલ રોડ સામાન્ય રીતે શિયાળાના મહિનાઓ માટે બંધ રહે છે.
#WATCH | Snow clearance operation underway for the opening of Mughal Road by Mechanical, PWD & Roads and Buildings Departments in the Poonch sector of Jammu & Kashmir pic.twitter.com/gV9dLYLrpA
— ANI (@ANI) November 7, 2022
ટ્રાફિક વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર, 270 કિમી લાંબો જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે ખુલ્લો છે અને બંને બાજુથી વાહનોની અવરજવરમાં કોઈ વિક્ષેપના અહેવાલ નથી. તેમણે કહ્યું કે જમ્મુ શહેરમાં પણ શનિવાર અને રવિવારની મધ્યરાત્રિ દરમિયાન ભારે પવન સાથે ભારે વરસાદ પડ્યો હતો, પરંતુ કોઈ નુકસાન થયું નથી.