- દેશમાંથી કોરોના લઈ રહ્યો છે વિદાય
- રોજે ઘટી રહ્યા છે કોરોના કેસ
- ટૂંક સમયમાં જન જીવન થઈ જશે રાબેતા મુજબ
દેશમાં ત્રીજી લહેરને લઈને સારા સમાચાર આવ્યાં છે. હવે કેન્દ્ર સરકારે જાહેર કર્યું છે કે દેશમાં કોરોનાની ત્રીજી લહેર વિદાય થઈ રહી છે. જોકે થોડા રાજ્યો હજુ પણ ચિંતાનો વિષય બની રહ્યાં છે. નીતિ આયોગના મેમ્બર ડોક્ટર વીકે પોલે કહ્યું કે આપણે કોરોના મહામારી અને વાયરસ અંગે ઘણું બધું શીખ્યાં છીએ પરંતુ દુનિયા હજુ સુધી તેને અંગે બધુ જાણતી નથી. તેમણે કહ્યું કે દુનિયાએ આ વાયરસની સામે લડવા માટે એકજૂટ રહેવું જોઈએ. દેશમાં કોરોનાની સ્થિતિ ઘણી સારી છે.
જોકે કેરળ મિઝોરમ, હિમાચલ સહિત ઘણા રાજ્યોમાં ઘણા કેસ આવી રહ્યાં છે પરંતુ આપણે હાર માનવી નથી. કોરોનાની ત્રીજી લહેર નબળી પડતા મોટા ભાગના રાજ્યો કોવિડ પ્રતિબંધો હળવા કરી રહ્યાં છે અને પોતપોતાની સ્થિતિ પ્રમાણે છૂટ આપી રહ્યાં છે. હવે સરકારે સ્વીકારી દીધું છે ત્રીજી લહેર જઈ રહી છે ત્યારે આગામી દિવસોમાં દેશ ફરી ધમધમતો થઈ જશે. આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે કેરળમાં સૌથી વધુ 2,50,000 થી વધુ સક્રિય કેસ છે.
મહારાષ્ટ્રમાં 86,000, તમિલનાડુમાં 77,000 અને કર્ણાટકમાં 60,000 ની નજીક સક્રિય કેસ છે. દેશમાં હાલ 61.25 ટકા એક્ટિવ કેસ આ ચાર રાજ્યોમાંથી આવી રહ્યા છે. ભારતમાં છેલ્લા એક અઠવાડિયામાં સરેરાશ 96,000 જેટલા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 66,084 નવા કોવિડ કેસ નોંધાયા છે. દેશમાં 7.9 લાખ એક્ટિવ કેસ છે. છેલ્લા ચાર દિવસમાં દેશમાં એક લાખથી પણ ઓછા કેસ સામે આવ્યા છે.