ગોવાની રાજધાની પણજી નજીક પિલેર્ને ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં એક પેઇન્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં આગ ફાટી નીકળી હતી, ધુમાડાના જાડા પડને કારણે નજીકમાં રહેતા લગભગ 200 લોકોને તેમના ઘર છોડીને અન્ય સ્થળોએ જવાની ફરજ પડી હતી. કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
ઉત્તર ગોવાના જિલ્લા મેજિસ્ટ્રેટ મામુ હેગેએ બુધવારે જણાવ્યું હતું કે ઔદ્યોગિક વિસ્તારમાં સ્થિત બર્જર બેકર કોટિંગ્સ ફેક્ટરીમાં મંગળવારે બપોરે 2.30 વાગ્યે આગ લાગી હતી. જિલ્લા વહીવટીતંત્રે પાછળથી એક એડવાઈઝરી બહાર પાડી, ફેક્ટરીના બે કિલોમીટરની અંદર રહેતા લોકોને સ્થળાંતર કરવા કહ્યું, કારણ કે ધૂમાડો સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે.
સીએમ સાવંતે ફેક્ટરી સ્થળની મુલાકાત લીધી હતી
દરમિયાન, મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંતે વરિષ્ઠ અધિકારીઓ સાથે મંગળવારે રાત્રે ફેક્ટરી સ્થળની મુલાકાત લીધી હતી. જિલ્લા વહીવટીતંત્રના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે બુધવારે વહેલી સવારે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા
અધિકારીએ જણાવ્યું હતું કે ફેક્ટરીની નજીક રહેતા લગભગ 200 લોકો જાતે જ અન્યત્ર ચાલ્યા ગયા છે. તેમણે કહ્યું, “સરકારે હસ્તક્ષેપ કરવાની જરૂર નહોતી, કારણ કે લોકો પોતે તેમના સંબંધીઓ અને મિત્રો પાસે ગયા હતા.” મુખ્યમંત્રી સાવંતે મંગળવારે કહ્યું હતું કે સરકારે ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.