- આઠ રાજ્યોમાં કાતિલ કોલ્ડ વેવની ચેતવણી
- હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી
- દિલ્હીમાં હાડ થીજવતી ઠંડી
ઉત્તરના પહાડી પ્રદેશો તરફથી વાતા સૂસવાટા ભર્યા બર્ફિલા ઠંડા પવનોના પગલે સમગ્ર ઉત્તર-પશ્ચિમ ભારતના મેદાની પ્રદેશોમાં કાતીલ શીત લહેર ફરી વળી હતી અને દેશના પાટનગર દિલ્હીના લોકો ગાત્રો થિજવી દેતી ઠંડીમાં ઠૂઠવાઇ ગયા છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીનું લઘુતમ તાપમાન સામાન્ય કરતાં 3 ડિગ્રી ઓછુ એટલે કે 4.2 ડીગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જો કે હવામાન ખાતાએ એવી આગાહી કરી હતી કે આગામી ત્રણ દિવસમાં ઠંડીનો પ્રકોપ્ત શાંત થઇ જશે પરંતુ તે સાથે વરસાદ પડે એવી સંભાવના વધી ગઇ છે. હવામાન ખાતાએ દિલ્હી સહિત આઠ રાજ્યોમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળે એવી ચેતવણી આપી દીધી હતી.
દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, પશ્ચિમી ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં આગામી બે દિવસો દરમ્યાન અને જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં આગામી 24 કલાકમાં જ કાતીલ શીત લહેર પોતાનું ભયાનક સ્વરૂપ દેખાડશે. હવામાન ખાતાએ એમ પણ કહ્યું હતું કે હિમાલયના પશ્ચિમના ભાગોમાં હળવા વરસાદની સાથે સ્નોફોલ થવાથી તાપમાનમાં ઘણો મોટો ઘટાડો થઇ શકે છે. ઉત્તર અને પશ્ચિમ ભારતના મેદાની પ્રદેશોમાં આગામી 4-5 જાન્યુઆરી દરમ્યાન મધ્યમ કક્ષાનો વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગે આ પ્રદેશોમાં 3 જાન્યુઆરી સુધી કાતિલ શીત લહેર ફરી વળે એવી ચેતવણી ઉચ્ચારી હતી અને તે સાથે કહ્યું હતું કે 4 જાન્યુઆરીથી આ વિસ્તારોમાં લઘુતમ તાપમાનમાં ધરખમ ઘટાડો થઇ શકે તેમ છે. જેના પગલે 4 થી 7 જાન્યુઆરી વચ્ચે જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને સ્નોફોલ થવાની શક્યતા છે.
હવામાન વિભાગે વધુમાં આગાહી કરી હતી કે થી 7 જાન્યુઆરી દરમ્યાન પંજાબ, હરિયાણા. ચંદીગઢ, દિલ્હી, ઉત્તર રાજસ્થાન અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં હળવાથી લઇને ભારે વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગ સામાન્ય રીતે મેદાની પ્રદેશોમાં લઘુતમ તાપમાન 4 ડીગ્રી નોંધાય ત્યારે શીત લહેર ફરી વળવાની ચેતવણી આપે છે. ગુજરાત અંગે હવામાન ખાતાએ આગાહી કરી હતી કે આગામી 3-4 દિવસોમાં ગુજરાતમાં લઘુતમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો વધારો થઇ શકે છે, અર્થાત ગુજરાતમાં ઠંડીનું જોર ઘટશે. ઉત્તર પ્રદેશના કાનપુર અને પ્રયાગરાજ જેવા શહેરોમાં ગાઢ ધુમ્મસના કારણે લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો.