ઉત્તરપ્રદેશના લખીમપુર ખેરીમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. બસ અને ટ્રક વચ્ચે થયેલી અથડામણમાં 6 લોકોના મોત થયા છે જ્યારે 20 લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું સામે આવ્યું છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સીએમ યોગી આદિત્યનાથે દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર લખીમપુર ખેરી જિલ્લાના ઈસાનગર પોલીસ સ્ટેશન વિસ્તારના એરા બ્રિજ પર સવારે 7.30 વાગ્યે ધૌરહારાથી લખનૌ જઈ રહેલી બસ અને ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી. જેમાં છ લોકોના મોત થયા છે. મૃત્યુઆંક વધી શકે છે. 20 લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું સામે આવ્યું છે. પોલીસ અને અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એક-બેની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. પોલીસે મૃતદેહોનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખીમપુર ખેરી જિલ્લામાં થયેલા માર્ગ અકસ્માત પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. યોગીએ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. સીએમ યોગીએ ઘાયલોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે જિલ્લા વહીવટી અધિકારીઓને સૂચના આપી છે. તેમણે ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરી છે. આ સાથે જિલ્લા મેજિસ્ટ્રેટ અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓને ઘટનાસ્થળે જઈને યુદ્ધના ધોરણે રાહત કામગીરી હાથ ધરવાની પણ સૂચના આપવામાં આવી છે.