ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) નવીન ચાવલાનું શનિવારે નિધન થયું. તેઓ ૭૯ વર્ષના હતા. ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર એસવાય કુરેશીએ તેમના નિધનની જાણ કરી છે. આ ઉપરાંત ચૂંટણી પંચના એક અધિકારીએ પણ ચાવલાના મૃત્યુની પુષ્ટિ કરી છે.
ભૂતપૂર્વ સીઈસી એસવાય કુરેશીએ જણાવ્યું હતું કે તેઓ લગભગ 10 દિવસ પહેલા ચાવલાને મળ્યા હતા, તે સમયે ચાવલાએ તેમને કહ્યું હતું કે તેમને મગજની સર્જરી માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. આજે સવારે એપોલો હોસ્પિટલમાં તેમનું અવસાન થયું. તેમણે કહ્યું કે જ્યારે તેઓ છેલ્લે મળ્યા હતા ત્યારે તેઓ ખુશ હતા.
એસ.વાય. કુરેશીએ X પર લખ્યું: ભારતના ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર નવીન ચાવલાનાં નિધન વિશે જાણીને દુઃખ થયું. તેમના આત્માને શાંતિ મળે. ભૂતપૂર્વ અમલદાર ચાવલા 2005 થી 2009 દરમિયાન ચૂંટણી કમિશનર અને ત્યારબાદ એપ્રિલ 2009 થી જુલાઈ 2010 સુધી મુખ્ય ચૂંટણી કમિશનર હતા.
તત્કાલીન મુખ્ય ચૂંટણી કમિશનર એન ગોપાલસ્વામીએ નવીન ચાવલા પર કામકાજમાં કથિત ભેદભાવનો આરોપ લગાવ્યો હતો અને રાષ્ટ્રપતિને તેમને ચૂંટણી કમિશનર પદ પરથી દૂર કરવાની ભલામણ કરી હતી. જે બાદ ઘણો વિવાદ જોવા મળ્યો હતો.