લખનઉ સિટી મોન્ટેસરી સ્કૂલની ગોમતી વિસ્તાર શાખામાં ભણતા નવમાં ધોરણના વિદ્યાર્થીએ બુધવારે ટ્રેન સામે કુદીને જીવ આપવાની કોશિશ કરી હતી. તે એન્જીન આગળ લાગેલી જાળી સાથે ટકરાઈને બહાર નિકળી ગયો. તેના પગ અને માથામાં ગંભીર ઈજા થઈ છે. તેને કમાન્ડ હોસ્પિટલમાં ભરતી કરાવ્યો છે. વિદ્યાર્થીનું માફીનામું પણ મળ્યું છે, જેમાં અંગ્રેજીમાં લખ્યું છે કે, મેમ, હું નવમાં ધોરણનો વિદ્યાર્થી છું. હું માફી માગું છું, જે જે પણ ભૂલ કરી હોય તેના માટે, મેં જે કર્યું તે ખોટું હતું. મેમ હું વચન આપું છું કે, ફરી ક્યારેય આવી ભૂલ નહીં કરું.
પરિવારના સભ્યોએ આ અંગે કોઈ ફરિયાદ નોંધાવી નથી. સૂચના પર વાલીઓ, શિક્ષકો અને પ્રિન્સિપાલ પહોંચ્યા હતા. જો કે, શાળા સંચાલક તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી કે, વિદ્યાર્થીએ શા માટે આવું પગલું ભર્યું. જ્યારે આ બાજૂ પરિવારે પણ કોઈના પર આરોપ નથી લગાવ્યો. પોલીસે જણાવ્યું છે કે, ચાર લાઈનનું માફીપત્ર મળ્યું છે, ગુરુવારે શિક્ષકો સાથે પુછપરછ થશે. આ ઘટનાને લઈને ચર્ચાઓ થઈ રહી છે. અમુક વિદ્યાર્થી મિત્રોએ કહ્યું કે, તે ભણવામાં ખૂબ હોંશિયાર છે, આ વખતે એક વિષયમાં ઓછા માર્ક્સ્ આવ્યા, તો ટીચરે ફરિયાદ કરવા માટે કહ્યું. તેને લઈને પિતાના મોબાઈલમાં ટીચરનો નંબર બ્લોક કરી દીધો હતો. ટીચરે ઘરે આવવાની વાત કહી હતી. ત્યાર બાદથી તે પરેશાન હતો.
ખરગાપુર નિવાસી રિટાયર ફૌજીએ કહ્યું કે, તેમનો 13 વર્ષનો દિકરો સ્કૂલે ગયો હતો. બપોરે સૂચના મળી કે, તેમનો દીકરો રેલવે લાઈન પર લોહીલુહાણ હાલતમાં પડ્યો છે. તેને લોહિયા હોસ્પિટલમાં ભરતી કરાવ્યો. જાણવા મળ્યું છે કે, દીકરો દરરોજ જે રસ્તે સ્કૂલે જતો, આજે બીજા રસ્તેથી સ્કૂલે ગયો હતો. જમા થયેલા લોકોએ કહ્યું કે, વિદ્યાર્થીને રેલ્વે લાઈન તરફ જતા જોયો, પણ કોઈને પણ આવો ક્યાસ નહોતો કે આટલો નાનો છોકરો આટલું મોટુ પગલું ભરી લેશે. તેની થોડી વારમાં જ તે લોહીલુહાણ હાલતમાં જોવા મળ્યો.
આ ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે. સૌ કોઈએ પોતાના મનની વાત લખી. જો કે, સ્કૂલ પ્રશાસને સીધી રીતે તેના પર કંઈ પણ કહેવા તૈયાર નથી. સ્કૂલના અમુક કર્મચારીઓએ જરુર કહ્યું છે કે, કારણ વગરનો આ મામલાને ચગાવામાં આવી રહ્યો છે. સ્કૂલ પ્રશાસનનું કહેવુ છે કે, હાલમાં કારણ સ્પષ્ટ થયું નથી. ગુરુવારે વિદ્યાર્થી અને તેના ટીચરો સાથે પુછપરછ થશે. પરિવારે સ્કૂલ પર કોઈ આરોપ લગાવ્યો નથી. પરિવારના લોકોએ તેના પર કોઈની સાથે વધારે વાત પણ નથી કરી.