અગ્નિપથ વિવાદની વચ્ચે પીએમ મોદીનું પહેલું નિવેદન
કહ્યું યુવાનો માટે ડિફેન્સ સેક્ટર ખોલી નાખ્યું
આઠ વર્ષમાં યુવાનો માટે અવકાશ અને સંરક્ષણ ક્ષેત્રો ખોલ્યા
દેશમાં કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાને લઈને વિવાદ જોવા મળી રહ્યો છે. ઘણા રાજ્યોમાં હિંસક વિરોધ પ્રદર્શન થયા છે અને આગચંપી પણ જોવા મળી છે. આ દરમિયાન બેંગલુરુ પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજનાનું નામ લીધા વગર યુવાઓને એક મોટો સંદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે તેમની સરકારે છેલ્લા આઠ વર્ષમાં યુવાનો માટે અવકાશ અને સંરક્ષણ ક્ષેત્રો ખોલ્યા છે.
મોદીએ કહ્યું કે સુધારાનો માર્ગ આપણને ફક્ત નવા લક્ષ્યો તરફ દોરી શકે છે. અમે યુવાનો માટે સંરક્ષણ અને અવકાશ ક્ષેત્રને ખુલ્લું મૂક્યું છે, જે દાયકાઓ સુધી સરકાર દ્વારા એકાધિકાર ધરાવતા હતા. ડ્રોનથી લઈને બીજી દરેક ટેકનોલોજી, અમે યુવાનોને કામ કરવાની તક આપી રહ્યા છીએ. આજે અમે યુવાનોને જણાવી રહ્યા છીએ કે, સરકારે જે વિશ્વસ્તરીય ટેકનોલોજી બનાવી છે, યુવાનોએ પોતાના વિચારો આપવા જોઈએ, પોતાના ઈનપુટ આપવા જોઈએ.
પીએમ મોદીએ એ વાત પર પણ ભાર મૂક્યો કે, આ ઉપક્રમ સરકારી હોય કે ખાનગી, બંને દેશની સંપત્તિ છે, તેથી લેવલ પ્લેઇંગ ફિલ્ડ દરેકની બરાબર હોવું જોઈએ. મોદીએ એ વાતનો પણ આનંદ વ્યક્ત કર્યો કે છેલ્લા આઠ વર્ષમાં 100 અબજ ડોલરથી વધુની કંપનીઓ શરુ થઈ છે જેમાં દર મહિને નવી કંપનીઓનો ઉમેરો થાય છે. તેમના મતે ભારત સ્ટાર્ટ અપની દુનિયામાં ઝડપથી કામ કરી રહ્યું છે અને અત્યાર સુધી હજારો કરોડનો બિઝનેસ કરી ચૂક્યું છે.
ઉલ્લેખનીય છે કે પીએમ કર્ણાટકની બે દિવસીય યાત્રા પર આવ્યા છે જ્યાં તેઓ પ્રતિષ્ઠિત લિંગાયત સમુદાયના ગુરુકુળ સુત્તુર મઠની મુલાકાત લેવાની તૈયારી પણ કરી રહ્યા છે. આ ઉપરાંત તેઓ મૈસુરુની દેવી ચામુંડેશ્વરીના દર્શન પણ કરવાના છે.