- ઓમિક્રોનના ખતરાને લઈ રાજ્યોએ જારી કરી ગાઈડ લાઇન
- કેન્દ્રની સૂચના બાદ રાજ્ય સરકારો આવી હરકતમાં
- નાઈટ કરફ્યુ, અનેક પ્રતિબંધો લાગવાયા
ભારત સહિત સમગ્ર વિશ્વને ચિંતામાં મૂકનાર કોરોના વાયરસના નવા નવા વેરિયન્ટ આવી રહ્યા છે. જોકે દેશમાં થોડા સમયથી કોરોના કેસોમાં એકદમ ઘટાડો નોંધાયો હતો. જેને કારણે સરકારે લાદેલા બંધનોમાથી છૂટછાટ આપવામાં આવી હતી. લોકોનું જન જીવન સામાન્ય થઈ રહ્યું હતું. ત્યારે કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોન આવ્યો અને જેના કેસો દેશમાં વધવા લાગ્યા જેને કારણે સરકાર સહિત સૌની ચિંતામાં વધારો થયો છે. કેન્દ્ર સરકાર તરફથી ગુરૂવારે રાજ્યોને ફરી કોરોના વાયરસ મહામારીની ત્રીજી લહેર આવી શકે છે તેવો ડર રજૂ કર્યો છે. જે બાદ સાંજ સુધીમાં અનેક રાજ્યોએ પોતાને ત્યાં કડક પ્રતિબંધ જાહેર કર્યા છે. ખાસ કરીને ક્રિસમસ અને ન્યૂયરના સેલિબ્રેશન પર રોક લગાવી દીધી છે.
મધ્યપ્રદેશ સહિત અનેક રાજ્યોમાં રાત્રિ કરફ્યુ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે અનેક રાજ્યોએ પોતાના રાજ્યમાં કડક પ્રતિબંધો મૂકી દીધા છે. મધ્યપ્રદેશ સરકારે 37 દિવસ પછી ફરીવખત રાજ્યમાં રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધીનું નાઈટ કર્ફ્યૂ લગાવી દીધું છે. આ સાથે જ સરકારે કહ્યું કે જિમ, કોચિંગ, થિયેટર, સિનેમા હોલ, સ્વીમિંગ પૂલમાં 18 વર્ષથી વધુની ઉંમરના હોય અને જેઓએ વેક્સિનના બંને લીધા હોય તેમને જ એન્ટ્રી મળશે.
દિલ્હીમાં ક્રિસમસ અને ન્યૂયર પર થનારા પબ્લિક સેલિબ્રેશન પર રોક લગાવી દેવાઈ છે. DDMAના આદેશ મુજબ આગામી આદેશ ન આવે ત્યાં સુધી કોઈ પણ હોટલ, બાર કે રેસ્ટોરાંમાં 50% સિટિંગ કેપિસિટીને મંજૂરી હશે. ઓમિક્રોનના વધતા ખતરા વચ્ચે ઉત્તરપ્રદેશના નોયડા અને લખનઉમાં યોગી સરકારે 31 ડિસેમ્બર સુધી કલમ 144 લગાવી દીધી છે. ત્યારે તેલંગાનામાં નવા કોરોના વેરિયન્ટ ઓમિક્રોનના 38 કેસ છે. આ વચ્ચે રાજ્યના ગડેમ નામના ગામમાં એક ઓમિક્રોન સંક્રમિત મળતા દરેકની સહમતી પછી 10 દિવસનું લોકડાઉન લગાવી દેવાયું છે.
મહારાષ્ટ્ર સરકારે ફરી સ્કૂલ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. મુંબઈ નગર નિગમે ક્રિસમસ અને ન્યૂયરને લઈને પબ્લિક સેલિબ્રેશનની નવી ગાઇડલાઈન્સ જાહેર કરી છે. અહીં હવે આયોજન સ્થળના 50% ક્ષમતા સુધી જ લોકો એકઠાં થઈ શકશે. નાસિકમાં વેક્સિન નહીં લેનારને મોલ્સ અને સરકારી ઓફિસમાં જવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. ઓરિસ્સાએ પણ ન્યૂયરને લઈને થનારી પાર્ટીઓના આયોજન પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે. રાજ્યની હોટલ્સ, રેસ્ટોરાં અને પબ્લિક પ્લેસ પર આ પ્રતિબંધ 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીએ લાગુ રહેશે.