રીલંકાના રાષ્ટ્રપતિ દેશ છોડી ભાગ્યા
ગોટબાયા રાજપક્ષેએ રાજીનામું આપે એની પહેલાં દેશ છોડવાની સુવિધા મળે એની ખાતરી કરી હતી
ગોટબાયા રાજપક્ષે શ્રીલંકા છોડીને અમેરિકા ભાગી જવા ઈચ્છતા હતા
આર્થિક સંકટ વચ્ચે શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે દેશ છોડીને માલદિવ્સ ભાગી ગયા છે. આ સમાચાર સામે આવતાં જ દેશના લોકો રોષે ભરાયા છે. રાજધાની કોલંબોમાં અત્યારે લોકો માર્ગ પર ઊતરી આવ્યા છે અને ભારે હોબાળો કરી રહ્યા છે. અત્યારે હજારો લોકો સંસદ ભવન તરફ અગ્રેસર થઈ ગયા છે. આની સાથે વડાપ્રધાન નિવાસસ્થાનને પણ લોકોએ ઘેરી લીધું છે. એવામાં લોકોનું ઉગ્ર વિરોધપ્રદર્શનને જોતાં વડાપ્રધાન રાનિલ વિક્રમસિંહે ઈમર્જન્સી જાહેર કરી દીધી છે.
અત્યારે ઘણી જગ્યાએ વિરોધપ્રદર્શન કરતા લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું છે. બીજી બાજુ, સેનાએ પોતાના લોકો સામે કોઈ પગલાં ભરવાની વાત સામે આવતાં તેમણે પોતાનાં હથિયાર નીચે મૂકી દીધાં છે. આ ઉગ્ર વિરોધપ્રદર્શનમાં 12 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
શ્રીલંકન એરફોર્સ મીડિયા ડાયરેક્ટરે કહ્યું હતું કે રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે, ફર્સ્ટ લેડી અને બે બોડીગાર્ડ્સે માલદિવ્સ જવા માટે ડિફેન્સ મિનિસ્ટ્રી પાસેથી ઈમિગ્રેશન, કસ્ટમ અને અન્ય કાયદા અંગે અનુમતિ મેળવી હતી. 13 જુલાઈની સવારે તેમને એરફોર્સના એક એરક્રાફ્ટની સુવિધા અપાઈ હતી.
ગોટબાયા રાજપક્ષેએ રાજીનામું આપે એની પહેલાં દેશ છોડવાની સુવિધા મળે એની ખાતરી કરી હતી. ત્યાર પછી આ શરત પ્રમાણે વ્યવસ્થા થતાં તેઓ દેશ છોડીને ભાગી ગયા હોવાના સમાચાર સામે આવ્યા હતા. તેવામાં સવાલ એ ઊઠે છે કે રાજપક્ષે ભાગ્યા કે તેમને ભગાડવામાં આવ્યા છે? રાજપક્ષેએ 12 જુલાઈના દિવસે પોતાના રાજીનામા પર હસ્તાક્ષર કર્યા અને વરિષ્ઠ અધિકારીઓને સોંપી દીધું હતું. આ લેટર 13 જુલાઈએ સંસદ સ્પીકર મહિંદા યાપા અભયવર્ધનેને સોંપવામાં આવ્યો હતો.
ગોટબાયા 8 જુલાઈ પછી કોલંબોમાં જોવા મળ્યા નહોતા. તેઓ મંગળવારે એટલે કે 12 જુલાઈએ નેવીના જહાજથી ભાગવાની તૈયારી કરી રહ્યા હતા, પરંતુ પોર્ટ પર ઇમિગ્રેશન અધિકારીઓએ પાસપોર્ટ પર સીલ લગાડવા માટે VIP સુવિધા આપવાની ના પાડી દીધી હતી. રાજપક્ષે જણાવ્યું હતું કે તેઓ દેશભરમાં ચાલી રહેલાં વિરોધપ્રદર્શન અંગે બીજી સાર્વજનિક સુવિધાનો ઉપયોગ નહીં કરી શકે, પરંતુ અધિકારીઓ માન્યા નહીં.
10 જુલાઈના દિવસે એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં રાષ્ટ્રપતિ ભવનમાં ઈન્ટેલિજન્સ રૂટ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. વિરોધ કરી રહેલા લોકોએ દાવો કર્યો હતો કે રાષ્ટ્રપતિ પોતાનો જીવ બચાવીને આ ગુપ્તચર માર્ગની મદદથી ભાગી ગયા હતા. આ બંકર રાષ્ટ્રપતિ ભવનના પહેલા માળે બનાવવામાં આવ્યું હતું. બંકરમાંથી બહાર નીકળતાં પહેલાં અહીં લાકડાની અલમારી ફિટ કરવામાં આવી છે. તેની રચના એવી છે કે તેને એકસાથે જાણવી કોઈપણ માટે મુશ્કેલ છે.
ગોટબાયા રાજપક્ષે શ્રીલંકા છોડીને અમેરિકા ભાગી જવા ઈચ્છતા હતા, પરંતુ અમેરિકાએ તેમને વિઝા આપ્યા નહોતા. રાજપક્ષે પાસે શ્રીલંકા અને અમેરિકાની નાગરિકતા હતી, પરંતુ 2019માં રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલાં તેમણે અમેરિકાની નાગરિકતા છોડી દીધી હતી.
વાસ્તવમાં શ્રીલંકાના સંવિધાન પ્રમાણે, સિંગલ સિટિઝનશિપનો નિયમ છે, જેથી રાષ્ટ્રપતિ ચૂંટણી લડવા માટે માત્ર શ્રીલંકાના નાગરિક હોવું જરૂરી હતું.
શ્રીલંકામાં સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે એમ્બ્યુલન્સ ચલાવવા માટે ડીઝલ-પેટ્રોલ બચ્યું નથી. એમ્બ્યુલન્સ સર્વિસે લોકોને કોલ ન કરવાની વિનંતી કરી છે. તેમણે કહ્યું હતું કે અમે સેવા આપવામાં અસમર્થ છે. લોકોને એક ટાઈમનું જમવાનું પણ સારી રીતે મળતું નથી. ખાવા-પીવાની પ્રોડક્ટના ભાવ ઘણા વધી ગયા છે. દાળની કિંમત ત્રણ ગણી વધી ગઈ છે. જોકે અહીં સ્થિતિ એટલી નાજુક છે કે ભૂખમરો અને કુપોષણ જેવી સ્થિતિ સર્જાઈ રહી છે.