- આધાર અને ચૂંટણી કાર્ડ થશે લિન્ક
- વિરોધ પક્ષના હોબાળા વચ્ચે બિલ થયું પાસ
- બોગસ મતદાન અટકાવવા લેવાયો નિર્ણય
આધાર કાર્ડને ચૂંટણી કાર્ડ સાથે લિન્ક કરવાને લઈ “ચૂંટણી અધિનિયમ સંશોધન બિલ, 2021” સોમવરે સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું. જે ભારે હોબાળો અને વિરોધ વચ્ચે પાસ થયું છે. આ બિલમાં વોટર લિસ્ટના ગોટાળા અને બોગસ મતદાન રોકવા માટે વોટર ID અને લિસ્ટને આધાર કાર્ડ સાથે લિંકઅપ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. કેન્દ્રીના મંત્રીમંડળે ગત સપ્તાહે બુધવારે ચૂંટણી સુધારા સાથે જોડાયેલા આ ખરડાને મંજૂરી આપી હતી. જેને લઈ સોમવારે કાયદામંત્રી કિરણ રિજિજુએ બિલને લોકસભામાં રજૂ કર્યું હતું. તેમણે બિલ રજૂ કરતાં કહ્યું હતું કે સભ્યોએ આ બિલના વિરોધ માટે જે તર્ક આપ્યા છે એ સુપ્રીમકોર્ટના ચુકાદાને ખોટી રીતે રજૂ કરવાનો પ્રયાસ છે. આ બિલ સુપ્રીમ કોર્ટના ચુકાદાના આધારે જ છે. આધાર લિંકનું બિલ પાસ થતાં જ વિરોધ પક્ષ દ્વારા ભારે હોબાળો કરવામાં આવ્યો હતો. જેને પગલે સંસદ લોકસભાની કાર્યવાહી સ્થગિત કરી દેવાઈ છે.
બિલ રજૂ કરતી સમયે કાયદામંત્રી કિરણ રિજિજુએ લોકસભામાં કહ્યું હતું કે ‘સરકારે આ બિલને રજૂ કરતા સમયે જોર આપતાં કહ્યું હતું કે આધાર અને વોટર કાર્ડને લિંક કરવાથી બોગસ વોટર્સ પર અંકુશ મુકાશે. જોકે ‘ નીચલા ગૃહમાં કોંગ્રેસ, તૃણુમૂલ કોંગ્રેસ, AIMIM, RSP, BSPના સભ્યોએ ચૂંટણી અધિનિયમ સંશોધન ખરડો-2021ને રજૂ કરવાનો વિરોધ કર્યો હતો. ત્યારે કોંગ્રેસે ખરડાને વિચાર માટે સંસદની સ્થાયી સમિતિને મોકલવાની માગ કરી હતી. વિરોધ કરી રહેલા વિપક્ષે કહ્યું, ‘આધાર કાર્ડને વોટર કાર્ડ સાથે લિંક કરવાની બાબત સુપ્રીમકોર્ટના ચુકાદાનું ઉલ્લંઘન છે, સાથે જ આધાર કાર્ડમાં વોટર કાર્ડથી વધુ ભૂલ સામે આવી છે.’ તો શશિ થરુરે કહ્યું હતું કે ‘આધાર એક 12 નંબરની ઓળખ સંખ્યા છે, જેમાં નાગરિકોની બાયોમેટ્રિક જાણકારી સામેલ છે. આધાર માત્ર નિવાસનું પ્રમાણ હોવું જોઈએ, આ નાગરિકતાનું પ્રમાણ ન હોઈ શકે. બુધવારે મળેલી કેબિનેટ મીટિંગમાં આ બિલને મંજૂરી આપવામાં આવી છે.
“ચૂંટણી અધિનિયમ સંશોધન બિલ, 2021”નો હેતુ ચૂંટણીમાં થનારા બોગસ વોટિંગને રોકવાનો છે. સરકારે ચૂંટણીપંચની ભલામણના આધારે જ આ નિર્ણય કર્યો છે. આધારને વોટર કાર્ડ સાથે જોડવાથી બોગસ વોટર કાર્ડમાં થનારી ગરબડને પણ રોકી શકાશે. સોમવારે સંસદમાં ભારે હોબાળા અને વિરોધ વચ્ચે સરકારે આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડને લિંક કરતો નવો કાયદો “ચૂંટણી અધિનિયમ સંશોધન બિલ, 2021” રજૂ કર્યો હતો. જેને મંજૂરીની મહોર લાગી ચૂકી છે.