કેન્દ્ર સરકારે ફ્લાઈટને બોંબથી ઉડાવવાની ધમકીઓને ગંભીરતાથી લીધી છે. સોશિયલ સાઈટ ‘X’ની આકરી ઝાટકણી કાઢી છે. મોટાભાગની અફવાઓ સોશિયલ મીડિયા સાઈટ એક્સ દ્વારા ફેલાતી હોવાથી કેન્દ્રીય આઈટી મંત્રાલય એકશનમાં આવ્યું છે. ટ્વીટર સામે લાલ આંખ કરી છે.
સોશિયલ મીડિયાનાં પ્રતિનિધિઓ સાથે બેઠક
કેન્દ્રીય સંયુક્ત સચિવ સંકેત એસ.ભોંડવેએ ‘X’ અને ‘Meta’ સહીતનાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી અનેક સવાલો કર્યા. ગુનાખોરી અટકાવવા માટે સોશ્યલ મીડિયાની જવાબદારી અંગે ચર્ચા કરી. લોકોમાં ભય ફેલાવતી અફવાઓ અટકાવવાની તાતી જરૂરિયાત હોવા અંગે જણાવ્યું.
નકલી ધમકીઓ ફેલાવનારાઓ સામે કાર્યવાહી કરાશે
ઉલ્લેખનિય છે કે આ પહેલા પણ નાગરિક ઉડ્ડયન મંત્રી કે.રામમોહન નાયડુએ કહ્યું હતું કે, સરકાર મુસાફરોની સુરક્ષા સાથે ચેડા કરનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરશે. નકલી ધમકીઓ ફેલાવનારાઓને નો-ફ્લાય લિસ્ટમાં મૂકશે તેમ પણ જણાવ્યું હતું મહત્વનો મુદ્દો છે કે દેશમાં છેલ્લા નવ દિવસમાં 170થી વધુ ફ્લાઈટોને બોંબથી ઉડાવવાની નનામી ધમકીઓ મળ્યા બાદ કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવવાની તૈયારીઓ શરૂ કરી છે.
એરલાઈન્સ કંપનીઓને અવારનવાર ફેક કૉલ કરીને ધમકી આપનારા આવારા તત્વોને કારણે એવિએશન સેક્ટર હાલ સંકટનો સામનો કરી રહ્યું છે. આવી કરતુતને કારણે અનેક મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવાની નોબત આવી છે.