ટ્વિટર બાદ ફેસબુકની પેરન્ટ કંપની ‘મેટા’એ આજે જોબ કટનો મહત્ત્વનો નિર્ણય લીધો છે. આજે મેટા પ્લેટફોર્મ ઇંકથી જાહેરાત કરવામાં આવી કે તે પોતાના 13 ટકા એટલે કે 11,000થી વધુ કર્મચારીને નોકરીમાંથી ‘આઉટ’ કરવા જઇ રહી છે.
ફેસબુકની પેરન્ટ કંપની મેટાએ આજે જાહેરાત કરી છે કે નિરાશાજનક કમાણી અને રેવન્યુમાં ઘટાડાના કારણે 11,000 કર્મચારીઓને નોકરીમાંથી દુર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા થોડા દિવસોમાં ટેક વર્લ્ડમાં બહોળા પ્રમાણમાં નોકરીમાંથી કર્મચારીઓને છુટા કરવાના કિસ્સા સામે આવ્યા છે. આ અગાઉ વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામમાંથી પણ કર્મચારીઓને છુટા કરવામાં આવ્યા હતા.
કંપનીના માલિક માર્ક ઝકરબર્ગે કહ્યુ કે ફેસબુકની પેરન્ટ કંપની મેટા પોતાના 11,000થી વધુ સ્ટાફને નોકરીમાંથી છુટા કરવા જઇ રહી છે. અમારા માટે આ આકરો નિર્ણય છે. દિગ્ગજ ટેક કંપનીએ વ્યાપક સ્તરે નોકરીમાં કાપ મુકવાની જાહેરાત કરી છે. ટેક વર્લ્ડમાં આ ખુબ જ મોટો નિર્ણય ગણાય છે. એલન મસ્કની ટ્વિટર સહિત દિગ્ગજ ટેક કંપનીઓએ નોકરીમાં છટણી શરૂ કરી દીધી છે, જોકે મેટાના 18 વર્ષના ઇતિહાસમાં આ પ્રકારનુ પગલુ પહેલીવાર ભરવામાં આવ્યુ છે.
મેટાના શેરને થયુ નુકશાન
મેટાના શેરને પણ આ નિર્ણયથી ખુબ જ નુકશાન પહોંચ્યુ છે. મેટા કંપનીના શેર આ વર્ષે અત્યાર સુધી 73 ટકા ગગડી ચુક્યા છે. શેર વેલ્યુમાં લગભગ 67 અબજ ડોલરનો ઘટાડો થઇ ચુક્યો છે. તે કંપનીની આર્થિક સ્થિતિ માટે મોટા ઝટકા સમાન છે.