ભારતના પડોશી દેશો શ્રીલંકા અને માલદીવની ત્રણ દિવસીય મુલાકાતના ભાગરૂપે વિદેશ મંત્રી એસ જયશંકર બુધવારે માલદીવ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમનું તેમના વિદેશી સમકક્ષ અબ્દુલ્લા શાહિદે સ્વાગત કર્યું હતું. ટ્વિટર પર એસ જયશંકર સાથેની તસવીર શેર કરતાં તેમણે લખ્યું, “માલદીવ્સમાં આપનું સ્વાગત છે, ભારતના વિદેશ મંત્રી અને મારા પ્રિય મિત્ર.” તેઓ અહીં ભારત-માલદીવ ભાગીદારી દ્વારા પૂરી પાડવામાં આવેલ વિકાસલક્ષી સહાયની અસરને જોવા માટે આવ્યા છે.
તમને જણાવી દઈએ કે, વિદેશ મંત્રી એસ જયશંકર માલદીવ અને શ્રીલંકા સાથે દ્વિપક્ષીય સંબંધોને વધુ વિસ્તૃત કરવા માટે બંને દેશોની મુલાકાતે છે. માલદીવમાં તેઓ દ્વિપક્ષીય સહયોગને મજબૂત કરવા માટે અનેક કરારો પર હસ્તાક્ષર કરશે. આ દરમિયાન તેઓ રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહને મળશે અને વિદેશ મંત્રી શાહિદ સાથે ચર્ચા કરશે.
માલદીવ અને શ્રીલંકા બંને હિંદ મહાસાગર ક્ષેત્રમાં ભારતના મુખ્ય દરિયાઈ પડોશીઓ છે અને વડા પ્રધાનના ‘નેબરહુડ ફર્સ્ટ’ના વિઝનમાં વિશેષ સ્થાન ધરાવે છે, એમ એમઈએના નિવેદનમાં જણાવાયું છે.