રાજકીય સંકટ વચ્ચે CM ઉદ્ધવ ઠાકરેએ મરાઠા કાર્ડ રમ્યું
ઉદ્ધવ કેબિનેટે ઔરંગાબાદનું નામ બદલીને સંભાજી નગર કર્યુ
ઉસ્માનાબાદનું નામ બદલીને ધારાશિવ અને નવી મુંબઈ એરપોર્ટનું નામ ડીવાય પાટિલ
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે CM ઉદ્ધવ ઠાકરેએ મરાઠા કાર્ડ રમ્યું છે. ઉદ્ધવ કેબિનેટે બુધવારે એટલે કે, 29 જૂન, 2022ના રોજ ઔરંગાબાદ અને ઉસ્માનાબાદની સાથે નવી મુંબઈ એરપોર્ટનું નામ બદલી નાખ્યું. જેના પર કોંગ્રેસે નારાજગી વ્યક્ત કરી છે. સાથે જ ઉસ્માનાબાદનું નામ બદલીને ધારાશિવ કરી દેવામાં આવ્યું છે.
આ ઉપરાંત નવી મુંબઈ એરપોર્ટનું નામ ડીવાય પાટિલ એરપોર્ટ રાખવામાં આવ્યું છે. કેબિનેટની બેઠક બાદ ઉદ્ધવે મંત્રીઓનો આભાર માન્યો હતો. શિંદે જૂથ અંગે તેમણે કહ્યું કે મારા પ્રિયજનોએ મને દગો આપ્યો છે. મહારાષ્ટ્ર કેબિનેટની બેઠક બાદ કોંગ્રેસના નેતા સુનીલ કેદારે કહ્યું કે મુખ્ય પ્રધાને અમને કહ્યું કે તમે ખૂબ જ સારો સહકાર આપો છો અને ભવિષ્યમાં પણ આવા જ સહકારની અપેક્ષા રાખીશ અને હું તમારી સાથે એ જ રીતે વર્તો રહીશ.
મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો વચ્ચે નેતાઓના મોટા નિવેદનો પણ સામે આવી રહ્યા છે. બળવાખોર ધારાસભ્ય એકનાથ શિંદેએ કહ્યું, ‘દેશ કાયદા અને બંધારણથી ચાલે છે. તેમનાથી મોટું કોઈ નથી. અમારી પાસે 50 ધારાસભ્યો છે. ફ્લોર ટેસ્ટ વિશે કોઈ ચિંતા નથી. અમે દરેક કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર થઈશું. અમને કોઈ રોકી શકશે નહીં.
શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેએ કહ્યું કે અમે આજે મુંબઈ પહોંચીને વિશ્વાસ મતમાં ભાગ લઈશું. ત્યારપછી અમારા ધારાસભ્ય દળની બેઠક થશે અને ત્યારબાદ અમે ભવિષ્યની રણનીતિ નક્કી કરીશું. તેમણે કહ્યું કે અમે બળવાખોર નથી. અમે શિવસેના છીએ અને અમે બાળાસાહેબ ઠાકરેની શિવસેનાના એજન્ડા અને વિચારધારાને આગળ લઈ જઈ રહ્યા છીએ. અમે રાજ્યની પ્રગતિ માટે કામ કરીશું.