- વન-શૉટ કોરોના વેક્સિનને અપાઈ મંજૂરી
- રશિયાની સ્પુતનિક લાઇટને આપી મંજૂરી
- DCGI કમિટીએ આપી વધુ એક વેક્સિનને મંજૂરી
ભારત સહિત વિશ્વ આખામાં હજુ પણ કોરોના વાયરસ મહામારી ખતમ થવાનું નામ નથી લઈ રહી. દેશમાં કોરોના વાયરસની ત્રીજી લહેર ચાલી રહી છે અને લાખોની સંખ્યામાં કેસ સામે આવતા લોકો પણ ત્રાસી ગયા છે. બીજી તરફ કોરોના વાયરસ સામે 15થી 18 વર્ષના લોકોના વેક્સિનેશનમાં તેજી લાવવામાં આવી છે ત્યારે ભારતમાં નેઝલ વેક્સિન બાદ હવે સ્પુટનીકની વધુ એક વેક્સિન પણ થોડા સમયમાં જોવા મળશે. વેક્સિનને મંજૂરી આપી દેવામાં આવી છે. ભારતમાં કોરોના કેસ ખૂબ જ ચિંતાજનક સ્થિતિમાં છે, મહામારીને એકમાત્ર રસ્તો એ છે કે લોકોએ કોરોના રસીના બંને ડોઝ લીધા છે.
ભારતના ડ્રગ્સ કંટ્રોલર જનરલની વિષય નિષ્ણાત સમિતિએ રશિયાની સ્પુટનિક લાઇટ વન-શોટ કોરોના રસીને મંજૂરી આપી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં અત્યાર સુધીમાં 168.47 કરોડ લોકોને કોરોનાની વેક્સિન આપવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં 55 લાખ (55,58,760) લોકોને રસી આપવામાં આવી હતી. શુક્રવારે દેશમાં 1.49 લાખ (1,49,394) નવા કોરોના દર્દીઓ સામે આવ્યા છે. આ સંખ્યા ગઈકાલ કરતા 13 ટકા ઓછી છે. છેલ્લા 24 કલાકમાં 2,46,674 લોકો સાજા પણ થયા છે. ગુજરાતમાં ફરી કોરોનાએ ઉછાળો માર્યો છે. શુક્રવારે 6,097 કેસ કોરોના પોઝિટિવ આવતા ચિંતાના મોજું ફરી વળ્યું છે. સૌથી વધુ અમદાવાદ શહેરમાં 1,985 કેસ સામે આવ્યા છે જ્યારે સુરત શહેરમાં 204 કેસ તો રાજકોટ શહેરમાં 237 કેસ, વડોદરા શહેરમાં 1,215 કેસ સામે આવ્યા છે.
ગાંધીનગર શહેરમાં 203 કેસ, ભાવનગર શહેરમાં 77 કેસ સામે આવ્યા છે. કોરોના ફેબ્રુઆરીની 15 તારીખ પછી ગુજરાતમાં શાંત પડશે તેવું નિષ્ણાંતો માની રહ્યા છે. કોરોનાને લીધે 35 લોકોએ જીવ ખોયો છે. જ્યારે 12,105 દર્દીઓ સાજા થઇ હેમખેમ ઘેર પરત ફર્યા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 57,521 સુધી પહોંચી ગઈ છે.