કર્ણાટકના ઉડુપી જિલ્લાના કરકલા તાલુકામાં સ્થિત કબિનાલે ગામમાં સોમવારે રાત્રે એન્ટી-નક્સલ ફોર્સ (ANF) અને નક્સલવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી. આ એન્કાઉન્ટરમાં કુખ્યાત નક્સલવાદી નેતા વિક્રમ ગૌડા માર્યા ગયા હતા. આ એન્કાઉન્ટર સીતામ્બેલુ વિસ્તારમાં નક્સલ વિરોધી સર્ચ ઓપરેશન દરમિયાન થયું હતું, જ્યારે નક્સલીઓ અને ANF ટીમ વચ્ચે ગોળીબાર થયો હતો. નક્સલી યુનિટની શંકાસ્પદ ગતિવિધિઓ અંગે માહિતી મળ્યા બાદ ANF ટીમે આ ઓપરેશનને તેજ બનાવ્યું હતું.
યેદાગુંડા ગામમાં ઘુસણખોરી કરી
મળતી માહિતી મુજબ, એક નક્સલી યુનિટે ચિકમગલુર જિલ્લાના જયાપુરા પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્ર હેઠળના એક દૂરના ઘરની મુલાકાત લીધી હતી. આ પછી તેઓએ કોપ્પા તાલુકાના યેદાગુંડા ગામમાં પણ ઘૂસણખોરી કરી, જ્યાં નક્સલવાદીઓએ જંગલના અતિક્રમણ અને કસ્તુરીરંગન રિપોર્ટ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરી. આ અહેવાલોને ધ્યાનમાં રાખીને આ વિસ્તારમાં નક્સલ વિરોધી અભિયાનને વધુ તેજ કરવામાં આવ્યું હતું.
એન્કાઉન્ટરની શરૂઆત કેવી રીતે થઈ?
સોમવારે રાત્રે પાંચ નક્સલવાદીઓનું એક જૂથ કબિનાલે ગામમાં કરિયાણાની ખરીદી કરવા ઘૂસ્યું હતું. ગામમાં પ્રવેશતાની સાથે જ તેમની ANF ટીમ સાથે એન્કાઉન્ટર થઈ ગયું. ગોળીબાર દરમિયાન નક્સલવાદી નેતા વિક્રમ ગૌડાનું મોત થયું હતું, જ્યારે બાકીના નક્સલવાદીઓ ભાગવામાં સફળ થયા હતા.
કોણ હતા વિક્રમ ગૌડા?
કર્ણાટકમાં સક્રિય નક્સલી નેતાઓમાં વિક્રમ ગૌડાનું નામ મોખરે હતું. તે વિસ્તારમાં અનેક હિંસક ઘટનાઓમાં સામેલ હતો. ANF અને પોલીસ કાર્યવાહીની સફળતા બાદ આ વિસ્તારમાં નક્સલી ગતિવિધિઓ પર બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે અને સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આ એન્કાઉન્ટર બાદ પોલીસે આ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરી છે, જેથી નક્સલવાદીઓના અન્ય જૂથો સક્રિય થવાની શક્યતાને અટકાવી શકાય.