કોવિડમાં ટ્રાવેલ પર પ્રતિબંધોને કારણે ઘરે અટવાયેલા ભારતીય વિદ્યાર્થીઓને બેઇજિંગે વિઝા આપવાનું શરૂ કર્યા પછી વિદ્યાર્થીઓનું ચીનમાં તેમની કૉલેજોમાં ધીમે ધીમે પાછા ફરવાનું શરૂ થયું હતું. શુક્રવારે ચીનના ભારતીય દૂતાવાસે તેમને કોન્સ્યુલર જરૂરિયાતોની સમયસર સુવિધા સુનિશ્ચિત કરવા માટે મિશન સાથે રજીસ્ટ્રેશન કરવા કહ્યુ હતું. 23,000થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ ચીનમાં મોટાભાગે મેડિસિનનો અભ્યાસ કરી રહ્યા છે, તેઓ કોવિડ વિઝા પ્રતિબંધોને કારણે ઘરે અટવાયેલા હતા.
ચીને એવા વિદ્યાર્થીઓ માટે વિઝા આપવાનું શરૂ કર્યું કે જેઓએ તેમની ચીની કોલેજો અને યુનિવર્સિટીઓમાં તેમના અભ્યાસ માટે પાછા ફરવા માટે પરમિટ મેળવી છે. પરંતુ તેઓ માટે ચીનની મુસાફરી કરવી મુશ્કેલ થઇ હતી, કારણ કે બંને દેશોએ હજુ સુધી ફ્લાઇટ સેવાઓ ફરી શરૂ કરવાની બાકી છે. અહેવાલ મુજબ 100થી વધુ વિદ્યાર્થીઓ કોઈ ત્રીજા દેશના ફ્લાઇટ રૂટ અથવા હોંગકોંગ દ્વારા મુસાફરી કરીને પાછા ફર્યા હતા. ભારતીય દૂતાવાસે તેની તાજેતરની એડવાઈઝરીમાં પરત ફરતા વિદ્યાર્થીઓને મિશનમાં રજીસ્ટ્રેશન કરાવવા વિનંતી કરી હતી.
સંયુક્ત પ્રયાસોથી ભારતીય તબીબી વિદ્યાર્થીઓએ તેમની સંબંધિત યુનિવર્સિટીઓમાં ફરીથી જોડાવા માટે મેઇનલેન્ડ ચીન પરત ફરવાનું શરૂ કર્યું છે. દૂતાવાસની વેબસાઈટ પર પોસ્ટ કરાયેલી નોટિસમાં જણાવાયું છે કે “ચીનમાં ભારતીય વિદ્યાર્થીઓને તેમની કોન્સ્યુલર જરૂરિયાતોની સમયસર સુવિધા સુનિશ્ચિત કરવા માટે નોંધણી ફોર્મ ભરવાની વિનંતી કરવામાં આવે છે”. તેમાં એમ પણ જણાવાયું હતું કે, તેઓ શાંઘાઈ અથવા ગુઆંગઝૂમાં રહેલી ભારતીય દૂતાવાસ કે ભારતીય કોન્સુલેટસમાં રજીસ્ટ્રેશન કરાવી શકે છે.
તેમાં અધિકારીઓના નામ અને તેમની કોન્ટેક્ટ ડીટેલ પણ આપવામાં આવી હતી. વધુમાં લખ્યું હતું કે, તમામ ભારતીય વિદ્યાર્થીઓને રજીસ્ટ્રેશન કરાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે, જેથી દૂતાવાસ/કોન્સ્યુલેટ વહેલી તકે કોઈપણ સુવિધા માટે તેમનો સંપર્ક કરી શકે. જે વિદ્યાર્થીઓ હજુ ચીન પરત ફરવાના નથી, તેઓ ચીન પહોંચ્યા પછી જ ફોર્મ ભરી શકશે.