ટેસ્લાના સીઈઓ એલન મસ્કે ટ્વિટરની કમાન સંભાળી લીધી છે. સૂત્રો અનુસાર તે કંપનીના ઈન્ચાર્જ તરીકે કામ કરવાનું શરુ કરી ચુક્યા છે. એવું પણ કહેવાય છે કે, ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલ અને સીએફઓ નેડ સેગલે અમેરિકાના સૈન ફ્રાંસિસ્કો સ્થિતિ કંપનીના હેડક્વાર્ટર પણ છોડી દીધું છે અને તે બંને હવે ઓફિસે આવશે નહીં. એલન મસ્કથી સંબંધિત આ સમાચાર એવા સમયે આવ્યા છે, જ્યારે તેમની પાસે ટ્વિટરની 44 અબજ ડોલરની ડીલ પુરી કરવા અથવા કંપની સાથે કોર્ટની લડાઈ લડવા માટે શુક્રવાર સુધીનો સમય બચ્યો હતો.
આ અગાઉ એલન મસ્કે ટ્વિટર હેડક્વાર્ટરમાં ફરતો એક વીડિયો શેર કર્યો હતો, તેમણે ટ્વિટરને 44 અબજ ડોલરમાં ખરીદવા માટે કરારને પુરા કરવા માટે શુક્રવારની સમયસીમાના બે દિવસ પહેલા બુધવારે આ વીડિયો શેર કર્યો હતો. મસ્કે પોતાની ટ્વિટર પ્રોફાઈલમાં ફેરફાર કર્યો હતો, જેમાં તેમણે ‘ટ્વિટ પ્રમુખ’ લખ્યું છે. તેમણે પોતાની પ્રોફાઈલમાં પોતાના સ્થાનને બદલીને ટ્વિટર હેડક્વાર્ટર કરી દીધું છે.
મસ્ક તરફથી શેર કરવામાં આવેલા વીડિયોમાં તેમણે ટ્વિટર હેડક્વાર્ટર પરિસરમાં એક સિંક લઈ જતાં દેખાયા હતા. આપને જણાવી દઈએ કે, કોર્ટે મસ્કને ટ્વિટરના અધિગ્રહણ કરારને પુરો કરવાો માટે શુક્રવાર સુધીનો સમય આપ્યો છે. આ અગાઉ મસ્કે આ કરારથી પાછીપાની કરવાની કોશિશ કરી હતી. જો કે મસ્ક અને ટ્વિટરે કરાર પુરા કરવાને લઈને હજૂ સુધી કોઈ નિવેદન આપ્યુ નથી. મસ્કના હેડક્વાર્ટર પહોંચવા છતાં પણ આ સ્પષ્ટ નથી કે, કરારને અંતિમ સ્વરુપ આપવામાં આવ્યું છે કે નહીં.