ઓડિશાના કેઓંઝર જિલ્લામાં એક ટ્રક અને વાહનની અથડામણમાં ઓછામાં ઓછા આઠ લોકોના મોત થયા છે. મૃતકોમાં ત્રણ મહિલાઓ અને એક બાળકનો પણ સમાવેશ થાય છે. આ ઘટનામાં અન્ય ઘણા લોકો ઘાયલ પણ થયા છે. આ ઘટના નેશનલ હાઈવે 20 પર ઘાટગાંવ વિસ્તારમાં બાલીજોડી ગામ પાસે બની હતી.
વાહનમાં મુસાફરી કરી રહેલા લોકો મંદિરે દર્શન કરવા જતા હતા. આ ઘટનામાં સાત લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે એકનું હોસ્પિટલમાં મોત થયું હતું. ઘાયલોમાંથી પાંચની કેઓંઝર જિલ્લાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
ઘાયલોમાંથી ત્રણને કટકની એસસીબી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગંજન જિલ્લાના પુદામરીથી 20 લોકો એક વાહનમાં ત્રારિણી દેવીના દર્શન કરવા જઈ રહ્યા હતા.
આ ઘટના મંદિરના ત્રણ કિમી પહેલા બની હતી. એવું માનવામાં આવે છે કે ડ્રાઇવરે નિદ્રાધીન થવાના કારણે આ અકસ્માત થયો હતો. પોલીસે હાલ આ મામલે તપાસ શરૂ કરી છે.