એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ તેની મુંબઈ ઓફિસના બે કર્મચારીઓની ધરપકડ કરી છે. તેમના પર ગુપ્ત ફાઈલો લીક કરવાનો આરોપ છે. EDને પુરાવા મળ્યા છે કે બે કર્મચારીઓ પુણે સ્થિત ઉદ્યોગપતિ અને સેવા વિકાસ કો-ઓપરેટિવ બેંકના ભૂતપૂર્વ ડિરેક્ટર અમર મૂળચંદાનીના સંપર્કમાં હતા અને બંનેએ કિકબેકમાં “સંવેદનશીલ” તપાસની માહિતી શેર કરી હતી. તેના બે કર્મચારીઓ ઉપરાંત EDએ પૂર્વ અધ્યક્ષના નજીકના સહયોગીની પણ ધરપકડ કરી છે.
મહારાષ્ટ્ર પોલીસે મૂળચંદાની અને તેના પરિવારના પાંચ સભ્યોની 27 જાન્યુઆરીએ પૂર્વ ડિરેક્ટર વિરુદ્ધ EDના દરોડામાં ‘અવરોધ’ અને પુરાવાનો નાશ કરવાના આરોપમાં ધરપકડ કરી હતી. ફેડરલ એજન્સીએ એક નિવેદનમાં કહ્યું કે તપાસ દરમિયાન જાણવા મળ્યું કે એક વ્યક્તિ મુંબઈમાં ED ઓફિસ પરિસરની આસપાસ વારંવાર નજર રાખતો હતો. ED દ્વારા પકડાયા પછી, એવું બહાર આવ્યું કે બબલુ સોનકર અમર મૂળચંદાનીનો કર્મચારી હતો અને તેને સાક્ષીઓ, ડેટા એન્ટ્રી ઓપરેટરને ધમકાવવા અને ED કર્મચારીને લાંચની રકમ આપવાનું કામ સોંપવામાં આવ્યું હતું.
એજન્સીએ કહ્યું કે સોનકરના કબજામાંથી “ગુનાહિત” દસ્તાવેજો મળી આવ્યા છે. આ સિવાય EDના કોન્ટ્રાક્ટ કર્મચારીઓએ સ્વીકાર્યું છે કે તેઓ અમર મૂળચંદાનીને સંવેદનશીલ માહિતી શેર કરતા હતા. EDએ બંને કર્મચારીઓની પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ ધરપકડ કરી છે.
તમને જણાવી દઈએ કે જાન્યુઆરીમાં EDએ પૂર્વ ડિરેક્ટર અમર મૂળચંદાણી સહિત સહકારી બેંકના કેટલાક બોર્ડ ઓફ ડિરેક્ટર્સ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. EDએ તેમના સ્થાનો પર દરોડા પાડ્યા હતા. સેવા વિકાસ સહકારી બેંકને રૂ. 429 કરોડનું નુકસાન થયું છે. સહકારી બેંક કોઈપણ નાણાકીય ધોરણોને અનુસર્યા વિના પરિવારની માલિકીની જેમ ચલાવવામાં આવી રહી હતી. “92 ટકાથી વધુ લોન ખાતા NPA બની ગયા છે અને હવે બેંક નાદાર છે,” EDએ કહ્યું.