કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે e-FIR સેવાનો કરાવ્યો પ્રારંભ
વાહનચોરી અને મોબાઈલ ચોરીની ઓનલાઈન ફરિયાદ કરી શકાશે
ફરિયાદની કોપી એપથી મેળવી શકાશે
અમિત શાહે આ પ્રસંગે જણાવ્યું હતું કે, આઝાદી બાદ આદિવાસી મહિલાનું રાષ્ટ્રપતિ બનવું દેશ માટે ઐતિહાસિક અને ગૌરવની વાત છે. સાથે જ શાહે E-FIR સિસ્ટમ બદલ ગુજરાત સરકારને શુભેચ્છા આપ્યા હતા અને પોલીસની કામગીરીની પીઠ થાબડતા જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસ અનેક વર્ષોથી દેશમાં આગળ રહી છે અને દાણચોરી કરનારી ચેનલો બંધ થઇ ગઇ છે.
સાથે જ તેમણે એમ પણ જણાવ્યું કે, ગુજરાત પોલીસ આધુનિક અને ટેક્નોસેવી બની છે. પોરબંદર અને કચ્છના દરિયા કાંઠે દાણચોરી ધમધમતી હતી તે દાણચોરીના દરેક માર્ગ હવે બંધ થયાં છે. સાથે જ તેમણે દેશભરના નાગરિકોને હર ઘર તિંરગા અભિયાનમાં જોડાવાની અપીલ પણ કરી હતી. વિપક્ષને ટોણો મારતા એમપણ કહ્યું હતું કે, ફક્ત શબ્દોથી અદિવાસીઓનો વિકાસ ન થાય
ગાંધીનગરમાં ગુજરાત પોલીસના રાજ્ય કક્ષાના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર 'ત્રિનેત્ર'ના ઉદ્ઘાટન પ્રસંગે. https://t.co/RCFIqXwTUz
— Amit Shah (@AmitShah) July 23, 2022
જ્યારે મોબાઈલ ફોન, લેપટોપ કે વાહન ચોરીની ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશન જતાં હોઈએ, ત્યારે અનેક વખત લોકો આરોપ લગાવતાં હોય છે કે, પોલીસ તેઓની ફરિયાદ નોંધતી નથી. અને ચોરીની ફરિયાદના પુરાવા રજૂ કરવાના નામે અનેક મહિનાઓ સુધી પોલીસ FIR નોંધતી નથી. જો કે, હવે આ તમામ આરોપોનો હવે અંત આવી જશે, રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા ‘E-FIR’ પ્રોજેક્ટ અંતર્ગત હવે વાહન, મોબાઈલ કે લેપટોપની ચોરીની ફરિયાદ ઓનલાઈન કરી શકાશે. ગતરોજ ગૃહ મંત્રાલાય તરફથી એક નોટિફિકેશન જાહેર કરાયું છે. જેમાં વાહન-મોબાઇલ ચોરીના કેસમાં e-FIR કરી શકાશે.
ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ ગઈ કાલે જાણકારી આપતા કહ્યું હતું કે ગુજરાત સરકારે આ ઓનલાઈન સેવાઓમાં વધુ એક સેવાનો ઉમેરો કરીને e-FIR સેવાનો પ્રારંભ કરવાનો મહત્વનો નિર્ણય કર્યો.
હવે રાજ્યના નાગરીકોને વાહન ચોરી અથવા મોબાઈલ ફોન ચોરીની ફરીયાદ નોંધાવા માટે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી. આ ઓનલાઈન સેવા થકી રાજ્યના નાગરિકો ઘરે બેઠા ઓનલાઈન ફરીયાદ નોંધાવી શકે
શું છે e-FIRની કાર્ય પ્રણાલી ?
e-FIRની આ સુવિધા ફક્ત તેવા સંજોગોમાં જ મેળવી શકાશે કે જેમાં આરોપી અજ્ઞાત હોય તથા ઘટના દરમિયાન બળનો ઉપયોગ ન થયો હોય કે ઈજા ન પહોંચી હોય. ચોક્કસ સમય મર્યાદામાં e-FIR ની પ્રાથમિક તપાસ પૂર્ણ કર્યા બાદ તેમાં તથ્ય જણાય તો તેવી ફરિયાદ FIRમાં રૂપાંતરિત કરવામાં આવશે.
ફરિયાદીએ સીટીઝન પોર્ટલ પર રજીસ્ટર કરાવી વાહન કે ફોન ચોરી અંગે ફરિયાદ સંદર્ભેની વિગતો ભરી ઓનલાઈન અપલોડ કરવાની રહેશે.ઓનલાઈન અરજી કરતી વખતે આપવામાં આવેલ અરજીની પ્રિન્ટઆઉટ પર ફરિયાદીની સહી કર્યા બાદ એ અરજીને સ્કેન કરીને અપલોડ કરવાની રહેશે. ફરિયાદીને E-Mail-SMSથી ફરિયાદ અરજી મળ્યાની જાણ થશે.
બનાવ સ્થળની વિગતમાં ફરિયાદી દ્વારા જે પોલીસ સ્ટેશનનું નામ લખવામાં આવ્યું હોય તે પોલીસ સ્ટેશનમાં e-FIR ફોરવર્ડ થશે.જો પોલીસ સ્ટેશનનું નામ ન જણાવ્યું હોય તો જે-તે પોલીસ કમિશ્નર/પોલીસ અધિક્ષકની કચેરીએ e-FIR ફોરવર્ડ થશે અને પોલીસ કમિશ્નર/પોલીસ અધિક્ષકની કચેરી સંબંધિત પોલીસ સ્ટેશન ખાતે તાત્કાલિક e-FIR મોકલી આપશે.
પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં અધિકારી ઈ-ગુજકોપના યુઝર આઈ.ડી.થી લોગ-ઈન કરીને પોર્ટલ વર્કલીસ્ટમાં તે e-FIR જોઇ શકશે અને કોઇ પણ સંજોગોમાં ૨૪ કલાકની સમયમર્યાદામાં પ્રાથમિક તપાસ અર્થે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં અધિકારી-કર્મચારીને મોકલવાની રહેશે. જે તે પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા તપાસ અધિકારીને પ્રાથમિક તપાસ સોંપાશે ત્યારે તપાસ અધિકારી અને સાથો-સાથ ફરિયાદીને તપાસ અધિકારી Assign થવા અંગે E-Mail અથવા SMSથી જાણ કરવામાં આવશે.
તપાસ અધિકારીને આ પ્રકારની e-FIR મળતાં સૌપ્રથમ આ e-FIR નો જરૂરી અભ્યાસ કરશે અને અપલોડ થયાના ૪૮ કલાકની સમયમર્યાદામાં ફરિયાદીનો સંપર્ક કરી સંબંધિત દસ્તાવેજોની ખરાઇ કરશે તેમજ વાહન કે મોબાઇલ ફોન ચોરીના બનાવ સ્થળની મુલાકાત લેશે. આ સમગ્ર પ્રક્રિયા e-FIR અપલોડ થયાના ૪૮ કલાકમાં પૂર્ણ કરીને આ અંગેનો પ્રાથમિક તપાસ અહેવાલ થાણા ઇન્ચાર્જને મોકલી આપશે.
ત્યારબાદ થાણા અધિકારી આ અહેવાલ મળ્યાના ૨૪ કલાકની સમયમર્યાદામાં e-FIRનો યોગ્ય નિકાલ કરશે. e-FIR ની વિગત સાચી હોય તો ઇ-ગુજકોપમાં FIR દાખલ કરશે. જો બનાવની જગ્યા પોતાના પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્રમાં ન આવતી હોય તો તે FIR સંબંધિત પોલીસ સ્ટેશનને મોકલી આપવામાં આવશે. e-FIR માં ખોટા દસ્તાવેજ હોય અને ખોટી વિગત હોય તો અરજી દફતરે કરવામાં આવશે.
સિટીઝન પોર્ટલ-સિટીઝન ફર્સ્ટ મોબાઇલ એપ પરથી e-FIR અપલોડ થયાના ૭૨ કલાકમાં થાણા અધિકારીએ તેનો નિકાલ કરવાનો રહેશે. જો ૭૨ કલાકમાં તેનો નિકાલ ન થાય તો પેન્ડિંગ e-FIR હોવા અંગેનો E-Mail અને SMS તુરંત જ ઉપરી પોલીસ અધિકારીશ્રીઓને કરવામાં આવશે.
આમ e-FIR સંદર્ભે પાંચ દિવસમાં આખરી નિર્ણય અંગેની કાર્યવાહી કરવામાં નહી આવે તો e-FIRને ઈ-ગુજકોપ દ્વારા FIRનો ધોરણસરનો રનીંગ નંબર આપોઆપ ફાળવવામાં આવશે અને થાણા અધિકારીએ તેની પર અન્ય સામાન્ય FIRની જેમ જ આગળની કાર્યવાહી હાથ ધરવાની રહેશે.
આ ઉપરાંત e-FIR અંગે ૧૨૦ કલાકની સમયમર્યાદામાં ધોરણસરની કાર્યવાહી ન કરવા બદલ પોલીસ કમિશ્નર-નાયબ પોલીસ કમિશ્નર-પોલીસ અધિક્ષક કે પોલીસ સ્ટેશનના સબંધિત અધિકારીની જવાબદારી નક્કી કરીને તેઓ વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.