ઉત્તર પૂર્વ દિલ્હી રમખાણોના એક કેસમાં ત્રણ લોકોને મળેલા જામીન સામે દિલ્હી પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટે મંગળવારે કહ્યું કે અમે લોકોને બિનજરૂરી રીતે જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં માનતા નથી. જસ્ટિસ એસ.કે. કૌલની આગેવાની હેઠળની બેંચે કહ્યું કે કલાકો સુધી જામીન અરજીઓ પર સુનાવણી કરવી એ દિલ્હી હાઈકોર્ટના સમયનો “સંપૂર્ણ બગાડ” છે.
આ બેંચમાં જસ્ટિસ એએસ ઓકા અને જસ્ટિસ જે.બી.પારડીવાલા પણ સામેલ હતા. બેંચ પોલીસ દ્વારા દાખલ કરાયેલી અરજીઓની સુનાવણી કરી રહી હતી જેમાં દિલ્હી હાઈકોર્ટના 15 જૂન, 2021ના ચુકાદાને પડકારવામાં આવ્યો હતો, જેમાં કાર્યકર્તા નતાશા નરવાલ, દેવાંગના કલિતા અને આસિફ ઈકબાલ તન્હાને સાંપ્રદાયિક હિંસા સંબંધિત કેસમાં જામીન આપવામાં આવ્યા હતા. નાગરિકતા સંશોધન કાયદા (CAA) ના વિરોધ દરમિયાન આ રમખાણો થયા હતા.
આગામી સુનાવણી 31 જાન્યુઆરીએ થશે
સુનાવણીની શરૂઆતમાં, એડવોકેટ રજત નાયરે, પોલીસ વતી હાજર થઈને બેન્ચને અરજીઓ પર સુનાવણી બે અઠવાડિયા માટે મુલતવી રાખવા વિનંતી કરી, કારણ કે સોલિસિટર જનરલ તુષાર મહેતા એક અલગ મામલામાં બંધારણીય બેંચ સમક્ષ હાજર થઈ રહ્યા છે. બેન્ચે આ મામલે સુનાવણી માટે આગામી તારીખ 31 જાન્યુઆરી નક્કી કરી છે.
ખંડપીઠે કહ્યું કે જામીનના મામલામાં, કેસની યોગ્યતામાં જતાની સાથે જ સુનાવણી લાંબી થઈ જાય છે. આરોપીઓ તરફથી હાજર રહેલા વકીલે કહ્યું કે પોલીસે હાઈકોર્ટ સમક્ષ કેસની યોગ્યતા અંગે દલીલ કરી હતી. નાયરે કહ્યું કે પોલીસે માત્ર હાઈકોર્ટ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપ્યો હતો કે શું આરોપીનું કૃત્ય આતંકવાદી કૃત્ય હતું કે નહીં. જસ્ટિસ કૌલે કહ્યું, તમે જામીનના મામલામાં કલાકો વિતાવ્યા છે. આ હાઇકોર્ટના સમયનો સંપૂર્ણ બગાડ છે. શું તમે જામીન મામલે સંપૂર્ણ સુનાવણી ઈચ્છો છો? મને આ સમજાતું નથી.