દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલે આપ્યું રાજીનામું
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મોકલી આપ્યું રાજીનામું
કેજરીવાલ અને અનિલ બૈજલ વચ્ચેનો વિવાદ જાણીતો છે
રાજધાની દિલ્હીમાં બનેલા એક મહત્વના ઘટનાક્રમમાં ઉપરાજ્યપાલ અનિલ બૈજલે અંગત કારણોસર રાજીનામુ આપી દીધું છે. બૈજલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને રાજીનામું મોકલી આપ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તેમણે આ રાજીનામા પાછળ વ્યક્તિગત કારણો હોવાનું જણાવ્યું છે.31 ડિસેમ્બર 2021ના રોજ તેમના કાર્યકાળના 5 પુરા થઈ ચુક્યા હતા. જો કે, દિલ્હીના ઉપરાજ્યપાલનો કાર્યકાળ નિશ્ચિત હોતો નથી. આપને જણાવી દઈએ કે, કેટલાય કેસોમાં દિલ્હીની કેજરીવાલ સરકાર અને ઉપરાજ્યપાલ અનિલ બૈજલની વચ્ચે ટકરાવની સ્થિતિ આવી જાય છે.
વાસ્તવમાં બૈજલે દિલ્હી સરકારની 1000 બસોની ખરીદ પ્રક્રિયાની તપાસ માટે એક વર્ષ પહેલા ત્રણ સભ્યોની સમિતિની રચના કરી હતી. ભાજપ સતત આ મામલે સીબીઆઈ તપાસની અપીલ કરી રહી હતી.ઉપરાજ્યપાલ દ્વારા રચવામાં આવેલી આ પેનલમાં એક નિવૃત્ત આઈએએસ અધિકારી, વિજિલન્સ વિભાગના અગ્ર સચિવ અને દિલ્હી સરકારના પરિવહન કમિશનરનો સમાવેશ થાય છે. આ મુદ્દે પણ તેમને કેજરીવાલ સરકારથી ઘણી મુશ્કેલી પડી હતી.પત્રમાં કેજરીવાલે એ પણ આરોપ લગાવ્યો હતો કે, એલજીના કહેવા પર ઘણા અધિકારીઓ સ્વાસ્થ્યને લગતી ફાઇલો છુપાવી રહ્યા છે અથવા કોઇ મંત્રીને આપવાની ના પાડી રહ્યા છે. નારાજ સીએમ કેજરીવાલે માંગ કરી હતી કે હવે એલજીએ પોતે જ વહેલી તકે હોસ્પિટલોમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવી જોઈએ.
પૂર્વ IAS અધિકારી બૈજલે 31 ડિસેમ્બર 2016ના રોજ ઉપરાજ્યપાલ તરીકે પદભાર સંભાળ્યો હતો, તેમણે નઝીબ જંગની જગ્યા લીધી હતી. અટલ બિહારી વાજપેયીના કાર્યકાળમાં બૈઝલ મુખ્ય સચિવ રહી ચુક્યા છે. બૈઝલનું રાજીનામુ સ્વિકાર્યા બાદ ટૂંક સમયમાં કેન્દ્ર સરકાર નવા ઉપરાજ્યપાલની જાહેરાત કરશે. કેન્દ્ર સરકારે કોઈ મોટા નેતાને દિલ્હીના ઉપરાજ્યપાલ પદે બેસાડી શકે છે.