સરકારની અગ્નિપથ યોજનનો આજે પણ વિરોધ ચાલુ
યોજનાના વિરોધમાં ભારતબંધનું એલાન
બંધના એલાનને લઈ ઝારખંડ-બિહાર સહિત અનેક રાજ્યો એલર્ટ પર
કેન્દ્ર સરકારની ‘અગ્નિપથ‘ લશ્કરી ભરતી યોજના સામે વિરોધ ચાલી રહ્યો છે. ત્યારે આ વિરોધ વચ્ચે કેટલાક સંગઠનોએ સોમવારે ભારત બંધનું આહ્વાન કર્યું છે. બંધની જાણકારી મળ્યા બાદ સરકાર પણ સતર્ક થઈ ગઈ છે. રેલવે પ્રોટેક્શન ફોર્સ અને સરકારી રેલવે પોલીસને પણ હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે.
પશ્ચિમ બંગાળમાં અગ્નિપથ યોજનાના વિરોધમાં ‘ભારત બંધ’ના એલાનને કારણે હાવડામાં મજબૂત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. ડીસીપી ઉત્તર અનુપમ સિંહે કહ્યું કે દરેક જગ્યાએ પોલીસ તૈનાત છે. અમે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છીએ. યુવાનોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ કોઈપણ અનિચ્છનીય બનાવમાં સામેલ ન થાય. કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાના વિરોધમાં ભારત બંધને ધ્યાનમાં રાખીને બિહારની રાજધાની પટનાના ડાક બંગલા ચોક પર સુરક્ષા જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.
બંધને ધ્યાનમાં રાખીને સોમવારે ઝારખંડમાં તમામ શાળા અને કોલેજો બંધ રાખવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે. બિહારમાં સરકારે એલર્ટ જાહેર કરીને અધિકારીઓને તૈયાર રહેવાની સૂચના આપી છે. તે જ સમયે, કેરળ પોલીસે જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડનાર અથવા હિંસામાં સંડોવાયેલા કોઈપણની ધરપકડ કરવા માટે ભારે પોલીસ દળ તૈનાત રાખવાનો આદેશ જારી કર્યો છે.