વારાણસીની જ્ઞાનવાપી-શ્રૃંગાર ગૌરી કેસમાં કોર્ટે ચુકાદો આપ્યો છે. જ્ઞાનવાપી મામલામાં હિન્દુ પક્ષની અરજીનો સ્વીકાર કરવામાં આવ્યો છે. આ અરજીની વધુ સુનાવણી 22 સપ્ટેમ્બરે હાથ ધરાશે. કોર્ટે અરજી અંગે કહ્યું હતું કે આ કેસ સાંભળવા લાયક છે. વિશ્વ વૈદિક સનાતન સંઘના પ્રમુખ જીતેન્દ્ર સિંહ બિસેને જણાવ્યું કે કોર્ટે હિન્દુ પક્ષની દલીલનો સ્વીકાર કર્યો છે અને મુસ્લિમ પક્ષના આ અંગેના તમામ વાંધાઓને ફગાવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ મામલામાં મુસ્લિમ પક્ષે વર્ષ 1991ના વર્શિપ એક્ટને ટાંકીને દલીલ કરતા પરિસરમાં દર્શન-પૂજાની પરવાનગી બાબતે વાંધો વ્યક્ત કર્યો હતો.
હિન્દુ પક્ષના વકીલ સોહનલાલ આર્યએ કોર્ટની બહાર કહ્યું કે પ્રત્યેક કાશીવાસીને નિવેદન છે કે શાંતી જાળવી રાખે. વધુ સુનાવણી 22 સપ્ટેમ્બરના રોજ થશે. હાલ સમગ્ર ઉત્તર પ્રદેશમાં ખુશીનો માહોલ છે, તે હર્ષની વાત છે. હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈને કહ્યું કે આજે કોર્ટે આપણી વાતનો સ્વીકાર કર્યો છે અને મુસ્લિમ પક્ષની અરજીને ફગાવી દીધી છે. કોર્ટ આગામી સુનાવણીમાં મુસ્લિમ પક્ષને તેનો જવાબ દાખલ કરવા માટે કહ્યું છે.
હનુમાન ચાલીસાની ચોપાઈની સાથે લોકો અહીં તાળીઓ વગાડીને પ્રાર્થના કરી રહ્યાં છે કે આજે જે જ્ઞાનવાપી પર ચુકાદો આવવાનો છે, તો તે હિન્દુના પક્ષમાં આવે. આ પ્રાર્થના સાથે મહિલાઓ અને પુરુષોએ એક થઈને હનુમાન ચાલીસાનો પાઠ કર્યો હતો. હનુમાન ચાલીસાની સાથે મંદિરના ખુણેખુણામાં હર-હર મહાદેવનો જયકાર સંભળાઈ રહ્યો છે. અહીં એકત્રિત થયેલા લોકોના મનમાં એક જ મનોકામના છે કે આજના નિર્ણય પછી આ કેસ વધુ આગળ વધે. આ દરમિયાન મહિલાઓમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો.
બીજી તરફ હાલ ચુકાદાને ધ્યાનમાં રાખીને વારાણસી પોલીસ કમિશ્નરે શહેરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. એક-એક ખુણામાં પોલીસ ફોર્સ તહેનાત કરવામાં આવી છે. સંવેદનશીલ વિસ્તારોમાં સોશિયલ મીડિયા પર ખાસ વોચ રાખવામાં આવી રહી છે. આ અંગે હિન્દુ પક્ષના વકીલ સુભાષ નંદન ત્રિપાઠીએ કહ્યું કે પહેલા હિન્દુ પક્ષે જ્ઞાનવાપી મામલામાં શ્રૃંગાર ગૌરી પૂજા મામલાને લઈને અરજી દાખલ કરી હતી. તે પછીથી મુસ્લિમ પક્ષે વરશીપ એક્ટને ટાંકીને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી અને કહ્યું હતું કે આ બાબતને પણ ધ્યાનમાં લેવી જોઈએ.