દેશમાં છેલ્લાં બે અઠવાડિયાથી કોરોનાના દર્દીઓની સંખ્યામાં સતત વધારો
18થી 24 એપ્રિલની વચ્ચે 15700 થી પણ વધારે કોરોનાના નવા દર્દીઓ આવ્યા
12થી વધુ રાજ્યોમાં વધારો જોવા મળી રહ્યો છે કોરોનાના કેસોમાં વધારો
દેશમાં 11 અઠવાડિયાના સતત ઘટાડા બાદ કોરોનાના કેસમાં છેલ્લાં બે અઠવાડિયાથી દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લાં ત્રણ દિવસથી સતત 2500 થી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે. તારીખ 18 થી 24 એપ્રિલની વચ્ચે 15700 થી પણ વધારે કોરોનાના નવા દર્દીઓ મળી આવ્યા છે. ગયા સપ્તાહથી તેમાં 95 ટકાનો વધારો જોવા મળ્યો છે. કોરોનાના કેસોમાં હવે 12થી વધુ રાજ્યોમાં વધારો જોવા મળી રહ્યો છે, જે ગયા સપ્તાહ સુધી માત્ર 3 રાજ્યોમાં હતો. ત્યાર બાદ અનેક રાજ્યોએ ફરીથી નવા નિયંત્રણો લાવવાનું શરૂ કરી દીધું છે. સ્થિતિની ગંભીરતાને જોતા બુધવારે પીએમ નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તમામ મુખ્યમંત્રીઓ અને સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે બેઠક પણ કરવાના છે.
ગયા સપ્તાહ સુધી માત્ર દિલ્હી, હરિયાણા અને યુપીમાં સતત કોરોનાના કેસો વધતા જોવા મળતા હતા, પરંતુ હવે કેરળ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, બંગાળ, રાજસ્થાન અને પંજાબમાં પણ ચિંતા વધી છે. 12 રાજ્યો સિવાય, 8 રાજ્યો અથવા કેન્દ્રશાસિત પ્રદેશો એવાં છે કે જ્યાં કેસ સતત વધી રહ્યાં છે, પરંતુ હજુ પણ અઠવાડિયામાં 100 થી નીચે છે. મહારાષ્ટ્રમાં ગયા સપ્તાહથી અત્યાર સુધીમાં 48 ટકા કેસ વધ્યા છે. જ્યારે કર્ણાટકમાં 71 ટકા, તમિલનાડુમાં 62 ટકા, બંગાળમાં 66 ટકા અને તેલંગાણામાં 24 ટકાનો ઉછાળો આવ્યો છે. ઉત્તર ભારતની જો વાત કરીએ તો રાજસ્થાનમાં એક સપ્તાહમાં 57 ટકા કેસ વધી ગયા છે. પંજાબમાં ગયા અઠવાડિયે 56 દર્દીઓની સંખ્યા ત્રણ ગણી થઈ છે.
- દિલ્હી:
દિલ્હીમાં સોમવારે સતત ચોથા દિવસે કોરોનાના 1000થી વધુ કેસ નોંધાયા છે. સંક્રમણ દર પણ 6.42 ટકાએ પહોંચી ગયો છે. વધતા જતા સંક્રમણને ધ્યાનમાં રાખી માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે. માસ્ક ન પહેરવા પર 500 રૂપિયાનો દંડ થશે. 18 થી 59 વર્ષના લોકો માટે ફ્રી બુસ્ટર ડોઝની પણ જાહેરાત કરવામાં આવી છે.
ઉત્તર પ્રદેશઃ
યુપીમાં પણ કોરોનાની ઝડપે ચિંતા વધારી છે. સૌથી વધુ કેસ દિલ્હીને અડીને આવેલા ગૌતમબુદ્ધ નગર અને ગાઝિયાબાદમાં આવી રહ્યાં છે. રાજધાનીની બાજુમાં આવેલા NCRના વિસ્તારોમાં માસ્ક ફરજિયાત કરવામાં આવ્યાં છે. યુપી સરકારે 1 એપ્રિલના રોજ માસ્ક પરનો પ્રતિબંધ હટાવી લીધો હતો, પરંતુ હવેથી તેને ફરીથી જરૂરી બનાવી દેવામાં આવ્યો છે.
હરિયાણા:
દિલ્હીના પડોશી હરિયાણામાં, કોરોના સંક્રમણ દર વધીને 5.14 ટકા થઈ ગયો છે, જે 1 એપ્રિલના રોજ 0.40 ટકા હતો. સતત વધતા જતા કોરોનાના કેસોને ધ્યાનમાં રાખી NCRમાં રાજ્યના ચાર જિલ્લા – ગુરુગ્રામ, ફરીદાબાદ, સોનીપત અને ઝજ્જરમાં માસ્ક જરૂરી બનાવવામાં આવ્યા છે.
આ સહીત કર્ણાટક, તેલંગાણ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને છત્તીસગઢમાં પણ કોરના કેસમાં ઉછાળો આવતા નિયમો કડક કરવામાં આવ્યા છે.