- દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 3,207 કેસ
- છેલ્લાં 24 કલાકમાં કોરોનાના કારણે 29 લોકોના મોત
દિલ્હીમાં સતત વધી રહ્યાં છે કોરોનાના કેસ
આજે દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 3,207 કેસ નોંધાયા છે, જે ગઈ કાલ કરતા 7 ટકા ઓછાં છે. જાહેર કરાયેલા આંકડા અનુસાર છેલ્લાં 24 કલાકમાં કોરોનાના કારણે 29 લોકોના મોત થયા છે. આ સાથે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 5,24,093 એ પહોંચી ગયો છે. હાલમાં દેશમાં કોરોનાના કુલ 20,403 એક્ટિવ કેસ છે. જ્યારે છેલ્લાં 24 કલાકમાં 3,410 લોકો કોરોનામાં સ્વસ્થ થયા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 42,560,905 લોકો કોરોનાથી સાજા થયા છે. દેશમાં કોરોના સામે 98.74 ટકા દર્દી સ્વસ્થ થયા છે.દેશની રાજધાની દિલ્હીમાં છેલ્લાં કેટલાંય દિવસોથી કોરોનાના એક હજારથી વધુ કેસો સામે આવી રહ્યાં છે. રવિવારે કોરોના સંક્રમણના નવા 1,422 કેસ નોંધાયા છે.
જો કે, મૃત્યુનો કોઈ નવો કેસ નોંધાયો નથી. આ સાથે સંક્રમણ દર 5.34 ટકા રહ્યો છે. હેલ્થ બુલેટિનમાં આ અંગેની માહિતી આપવામાં આવી છે.ઓડિશાના રાયગઢ જિલ્લામાં બે હોસ્ટેલમાં રહેતા 64 વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત જોવા મળ્યા છે. દરમિયાન, રવિવારે રાજ્યમાં કોરોના સંક્રમણના નવા 71 કેસ નોંધાયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોનાથી સંક્રમિત લોકોની કુલ સંખ્યા 12,88,202 થઈ ગઈ છે. સંક્રમણના કારણે મૃત્યુ થયાના કોઈ નવા કેસ નથી નોંધાયા. આથી મૃતકોની કુલ સંખ્યા હજુ પણ 9,126 છે. જ્યાં રવિવારે તેલંગાણામાં કોરોના સંક્રમણના 32 નવા કેસ સામે આવ્યા બાદ કુલ સંક્રમિત લોકોની સંખ્યા વધીને 7,92,327 થઈ ગઈ છે. હેલ્થ બુલેટિનમાં આ અંગેની જાણકારી આપવામાં આવી છે.