ચીનમાં ફરી એકવાર કોરોના વિસ્ફોટની સ્થિતિ જોવા મળી રહી છે. વિશ્વની સૌથી મોટી આઈફોન ફેક્ટરીની આસપાસમાં કોરોના સંક્રમણ ફેલાઈ ગયું છે, જેના કારણે ફેક્ટરીમાં કામ કરતા કામદારો ભાગવા લાગ્યા છે અને અન્ય વિસ્તારોમાં કોરોના ચેપને ફેલાતો અટકાવવા માટે ચીને એક મોટું પગલું ભર્યું છે. ચીને દુનિયાની સૌથી મોટી iPhone ફેક્ટરી iPhone City ની આસપાસના વિસ્તારમાં લોકડાઉન લાદી દીધું છે. આ વિસ્તારોમાં ઈમરજન્સી સેવાઓ સિવાય તમામ પ્રકારની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ રહેશે.
ન્યૂઝ એજન્સી બ્લૂમબર્ગના જણાવ્યા અનુસાર ચીની સત્તાવાળાઓએ બુધવારે વિશ્વની સૌથી મોટી આઈફોન ફેક્ટરીની આસપાસનો વિસ્તાર 9 નવેમ્બર સુધી બંધ કરી દીધો હતો. એટલે કે આ વિસ્તારોમાં લોકડાઉન જારી કરવામાં આવ્યું છે કારણ કે, કંપનીમાં કામ કરતા કામદારો કોરોના વાયરસથી પ્રભાવિત થયા છે. કોરોના વાયરસ અને સખત પ્રતિબંધોથી બચવા કામદારો ત્યાંથી ભાગી રહે છે. સ્થાનિક પ્રશાસને આ અંગે માહિતી આપી હતી. માનવામાં આવે છે કે, આઇફોનની સપ્લાય પણ આનાથી પ્રભાવિત થઈ શકે છે.
સરકારે કહ્યું કે, આ વિસ્તારોમાં આવશ્યક ચીજવસ્તુઓ લઈ જવા સિવાય કોઈ વાહન ચલાવવાની મંજૂરી નથી. એટલું જ નહીં લોકો માત્ર કોરોના ટેસ્ટ અને મેડિકલ ઈમરજન્સીના કિસ્સામાં જ ઘરની બહાર નીકળી શકે છે. આ સિવાય ઘરની બહાર નીકળવા પર પણ પ્રતિબંધ રહેશે.
ચીનના ઝેંગઝોઉમાં જાયન્ટ ફોન નિર્માતા એપલના આઇફોન મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં કોરોનાવાયરસ ચેપના ફેલાવાને કારણે મોટી સંખ્યામાં કર્મચારીઓએ ઉત્પાદન કાર્યથી પોતાને દૂર કરી દીધા છે. ઝેંગઝોઉમાં આવેલી ફેક્ટરી એપલની સૌથી લોકપ્રિય પ્રોડક્ટ આઇફોનનું સૌથી મોટું ઉત્પાદન કેન્દ્ર છે. ફોક્સકોન લગભગ બે લાખ કર્મચારીઓ સાથે આ પ્લાન્ટનું સંચાલન કરે છે.
મહત્વનું છે કે, એક રિપોર્ટ અનુસાર, ગયા અઠવાડિયે ચીનના 28 શહેરોમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. જેના કારણે 20.8 કરોડની વસ્તી પ્રભાવિત થઈ છે. નોંધનીય છે કે, 17 ઓગસ્ટ પછી ચીનમાં 1 ઓક્ટોબરના રોજ સૌથી વધુ કોરોના કેસ સામે આવ્યા છે. અહીં 2719 કેસ નોંધાયા છે. આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર આ આંકડો ઓછો હોઈ શકે છે. પરંતુ આ આંકડાઓએ શૂન્ય કોવિડ નીતિને અનુસરતા ચીન માટે ખળભળાટ મચાવ્યો છે. તાજેતરના આંકડાઓ પછી, સરકારે ગુઆંગઝુ અને દાનદોંગમાં પ્રતિબંધને લંબાવ્યો છે.