પટિયાલાની નેશનલ લૉ યુનિવર્સિટીમાં 60 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ
સમગ્ર કેમ્પસને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી દેવાયું
તંત્ર દ્વારા વિદ્યાર્થીઓને 10 મે સુધીમાં હોસ્ટેલ ખાલી કરવાનો આદેશ
પંજાબની પટિયાલાની નેશનલ લૉ યુનિવર્સિટીમાં એકસાથે 60 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. જેથી સમગ્ર કેમ્પસને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી દેવાયું છે. આ સાથે હોસ્ટેલને પણ ખાલી કરાવવાની શરૂઆત કરી દેવાઇ. યુનિવર્સિટીમાં ખૂબ જ મોટી સંખ્યામાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા બાદ વહીવટી તંત્રએ વિદ્યાર્થીઓને 10 મે સુધીમાં હોસ્ટેલ ખાલી કરવાનો આદેશ આપી દીધો છે, જેથી સંક્રમણને વધુ ફેલાતું અટકાવી શકાય. જે વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે તેઓની અંદર હળવા લક્ષણો જોવા મળી રહ્યાં છે, આથી તેઓને પણ એક અલગ જ બ્લોકમાં આઈસોલેટ કરી દેવાયા છે. મળતી માહિતી મુજબ, યુનિવર્સિટીમાં છેલ્લાં ચાર દિવસમાં આ કોરોનાના કેસો સામે આવ્યા છે. હાલમાં આરોગ્ય અધિકારીઓએ યુનિવર્સિટીની મુલાકાત લઈને સમગ્ર પરિસ્થિતિની માહિતી મેળવી છે.
એવું માનવામાં આવી રહ્યું છે કે, આગામી દિવસોમાં સંક્રમણના કેસ વધી શકે છે. નોંધનીય છે કે, દેશમાં ફરી એકવાર સતત કોરોનાના કેસ ઝડપથી વધવા લાગ્યા છે. સાથે એક્ટિવ દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. ઘણાં રાજ્યોમાં કોલેજ-યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યા છે. દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 3,275 કેસ સામે આવ્યા છે તો 55 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તાજેતરમાં જ IIT મદ્રાસમાં પણ કોરોના વાયરસનો કહેર જોવા મળ્યો હતો. જ્યાં 180થી વધુ વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા હતાં. ત્યાર બાદ યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને સલાહ આપી હતી કે જો તેમનામાં કોરોના જેવાં લક્ષણો છે, તો તેઓએ તેની તપાસ કરાવવી જોઈએ. આ સાથે માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ રાખવું સહિત કોવિડ-19ના તમામ પ્રોટોકોલનું પાલન કરવાનું કહેવામાં આવ્યું હતું.