Corona Cases: કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના એક સૂત્રને ટાંકીને રજૂ થયેલા મીડિયા અહેવાલમાં જણાવ્યું હતું કે, કોરોનાના નવા વેરિઅન્ટના તમામ કેસ, જેએન-વન ના પેટા પ્રકારોના વાયરસના છે. આવા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થવા અને ગંભીર કેસોમાં કોઈ વધારો થયો નથી. “તેથી, ચિંતા કે ગભરાટનું કોઈ કારણ નથી. કોરોના વાયરસના વેરિઅન્ટમાં ઝડપી ગતિએ પરિવર્તનો થતા રહેશે અને આ SARS-CoV2 જેવા વાયરસનું કુદરતી વર્તન છે,” તેમ સૂત્રોએ મીડિયા અહેવાલમાં જણાવ્યું છે.
મીડિયા રિપોર્ટમાં વધુમાં જણાવ્યું હતું કે INSACOG સર્વેલન્સ સંવેદનશીલ અને કોઈપણ નવા પ્રકારોના ઉદભવને પડકારવા માટે સક્ષમ છે અને વાયરસને કારણે રોગની ગંભીરતામાં કોઈપણ ફેરફાર શોધવા માટે સંરચિત રીતે હોસ્પિટલોમાંથી નમૂનાઓ પણ લેવામાં આવે છે.
ભારતીય SARS-CoV-2 જેનોમિક્સ કન્સોર્ટિયમ દ્વારા સંકલિત કરાયેલ ડેટા દર્શાવે છે કે, સાત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કેપી-1 ના 34 કેસ મળી આવ્યા છે.
જેમાંથી સૌથી વધુ 23 કેસ પશ્ચિમ બંગાળમાં નોંધાયા છે. અન્ય રાજ્યોમાં ગોવા, ઉત્તરાખંડ અને હરિયાણામાં એક-એક, ગુજરાતમાં બે, મહારાષ્ટ્રમાં ચાર, રાજસ્થાનમાં બે કેસ નોંધાયા છે.
જ્યારે કેપી-2 અંગે મળી રહેલ માહિતી અનુસાર કુલ 290 કેસ નોંધાયા છે, જેમાંથી સૌથી વધુ 148 કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં દિલ્હીમાં એક, ગોવામાં બાર, ગુજરાતમાં ત્રેવીસ, ઓડિશામાં સત્તર, રાજસ્થાનમાં એકવીસ, ઉત્તર પ્રદેશમાં આઠ, હરિયાણામાં ત્રણ, કર્ણાટકમાં ચાર, મધ્યપ્રદેશમાં એક, ઉત્તરાખંડમાં સોળ અને અને પશ્ચિમ બંગાળમાં કુલ છત્રીસ કેસ નોંધાયા છે.
સિંગાપોરમાં નવી કોવિડ-19ની લહેર જોવા મળી રહી છે. તેનુ કારણ એવુ હોવાનું કહેવામાં આવી રહ્યું છે કે, સત્તાવાળાઓએ ગત 5 થી 11 મે સુધીમાં કુલ 25,900 થી વધુ કેસ નોંધ્યા છે, જેમાં કેપી-1 અને કેપી-2 વેરિઅન્ટના છે. તો સિંગાપોરમાં કેપી-1 અને કેપી-2 વેરિઅન્ટના બે તૃતીયાંશ કરતાં વધુ કેસ છે. વૈશ્વિક સ્તરે, પ્રબળ કોવિડ 19ના પ્રકારો હજુ પણ JN.1 અને તેની પેટા-વંશના છે, જેમાં નવા વેરિઅન્ટ કેપી-1 અને કેપી-2 નો સમાવેશ થાય છે.