રસીકરણના કારણે 2021માં ભારતના 42 લાખથી વધુ જીવ બચાવ્યા
બ્રિટનની ઈમ્પિરિયલ કોલેજના અભ્યાસનું તારણ આવ્યું સામે
સંશોધકોએ ૧૮૫ દેશોના ડેટાનો અભ્યાસ કરીને તારણ રજૂ કર્યું હતું
બ્રિટનની ઈમ્પિરિયલ કોલેજના સંશોધકોએ ૧૮૫ દેશોના ડેટાનો અભ્યાસ કરીને તારણ રજૂ કર્યું હતું એ પ્રમાણે કોરોનાની વેક્સિને શરૃઆતના એક વર્ષમાં બે કરોડ કરતાં વધુ લોકોનો જીવ બચાવ્યો હતો. ભારતમાં વેક્સિનેશનના કારણે ૪૨ લાખ લોકોને કોરોના સામે સુરક્ષા મળી હતી. લક્ષ્યાંક પ્રમાણે વેક્સિનેશન થયું હોત તો લાખોનો જીવ બચાવી શકાયો હોત.
બ્રિટિશ ઈમ્પિરિયલ કોલેજના સંશોધકોએ કોરોના વેક્સિનના ડેટાનો અભ્યાસ કર્યો હતો.
૧૮૫ દેશોના ડેટા તપાસીને સંશોધકોએ દાવો કર્યો હતો કે જો નિર્ધારિત લક્ષ્યાંક પ્રમાણે વેક્સિનેશનમાં સફળતા મળી હોત તો દુનિયામાં છ લાખ લોકોનો જીવ બચી ગયો હોત. ભારતમાં વેક્સિનેશનના કારણે ૪૨ લાખ લોકોનો જીવ બચ્યો હતો. લેન્સેટ જર્નલના અહેવાલમાં પણ કહેવાયું હતું કે ભારતમાં ૪૨,૧૦,૦૦૦ લોકોનો જીવ રસીકરણથી બચી ગયો હતો. અમેરિકામાં ૧૯ લાખ લોકો વેક્સિનના કારણે બચી ગયા હતા. બ્રાઝિલમાં દસ લાખ લોકોનો જીવ વેક્સિનથી બચી ગયો હતો. બ્રિટનમાં પાંચ લાખ કરતાં વધુ લોકોને વેક્સિનથી સુરક્ષાકવચ મળી ગયું હતું.
અભ્યાસમાં ચીનનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો. ચીને તેનો ડેટા અભ્યાસ માટે જાહેર કર્યો ન હોવાથી એ આંકડો બાકાત રખાયો હતો. ચીનના પોપ્યુલેશનને જોતાં ચીનમાં પણ વેક્સિનેશનના કારણે લાખો લોકોનો જીવ બચી ગયો હતો. બ્રિસ્ટોલ મેડિકલ સ્કૂલના સંશોધકોએ પણ એવો જ દાવો કર્યો હતો. તેમના અભ્યાસમાં જણાયું હતું કે ૧.૬૦ કરોડ લોકોનો જીવ વેક્સિનના કારણે ૨૦૨૧ના અંત સુધીમાં બચ્યો હતો. સંશોધકોએ કહ્યું હતું કે કેટલા લોકોનો જીવ બચ્યો એ તો મહત્વનું છે જ, પરંતુ કેટલા લોકોનો જીવ હજુ બચાવી શકાયો હોત એ વધારે મહત્વનું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના લક્ષ્યાંક પ્રમાણે વેક્સિનેશન થયું હોત તો અસંખ્ય લોકો બચી શક્યા હોત.
પ્રથમ વેક્સિન ૮મી ડિસેમ્બર, ૨૦૨૦ના રોજ અપાયો હતો. એ પછી દુનિયાભરમાં વેક્સિનેશનનું કેમ્પેઈન શરૃ થયું હતું. જોકે, શરૃઆતમાં દુનિયાના બધા જ દેશોને વેક્સિનના પૂરતા ડોઝ મળ્યા ન હતા. શરૃઆતમાં વેક્સિનનું પ્રોડક્શન પૂરતું થયું હોત તો ઘણાં લોકોનો જીવ બચી જાત એવું સંશોધકોએ તારણ આપ્યું હતું.