અમરનાથમાં થયેલી હોનારતમાં જામનગરનું દંપતી ફસાયુ
દંપતીએ અમરનાથની ગુફાથી 3 કિ.મીના અંતરે આશ્રય મેળવ્યો
અમરનાથમાં જામનગરનું દંપતી સહી સલામત
ભગવાન અમરનાથની યાત્રામાં સેંકડો ગુજરાતી ભાવિકો શુક્રવારે સવારે બાબા બર્ફાનીના દર્શન માટે પ્રયાણ કર્યું હતું. આ દરમિયાન રસ્તામાં વાદળ ફાટતાં યાત્રાળુઓએ અધવચ્ચે જ ફરજિયાત રાત્રી રોકાણ કરવું પડ્યું હતું. જેમાં જામનગરના ભાવિકો પણ છે.
દક્ષિણ કાશ્મીરમાં સ્થિત પવિત્ર અમરનાથ ગુફા નજીક શુક્રવારે સાંજે વાદળ ફાટવાને કારણે આવેલા અચાનક પૂરને કારણે ઓછામાં ઓછા 16 લોકોના મોત થયા છે. ત્યારે અમરનાથની યાત્રા માટે ગયેલા જામનગરનું એક દંપતી દીપકભાઈ વિઠ્ઠલાણી અને તેમના પત્ની જાગૃતિબેન પણ ફસાતાં તેમના પરિવારજનો ચિંતાતુર બની ગયાં હતાં.
જો કે, રાહતની વાત એ છે કે, જામનગરના આ દંપતી હાલ અમરનાથની ગુફાથી ત્રણ કિ.મી દુર એક કેમ્પમાં આશ્રય સ્થાન મેળવ્યું છે. આ અંગે દીપકભાઈ વિઠ્ઠલાણીએ જણાવ્યું કે, તેઓ શુક્રવાર સવારે બાલતાલ બેઝ કેમ્પથી બાબા અમરનાથના દર્શન કરવા માટે નીકળ્યા હતાં. જ્યારે તેઓ સાંજે 5 વાગ્યાની આસપાસ સંગમ ઘાટી નજીક પહોંચ્યા ત્યાંજ વાદળ ફાટયું હોવાના સમાચાર મળતાં યાત્રા ત્યાં જ રોકી દેવામાં આવી હતી.
સંગમ ઘાટી પાસે જ બધા યાત્રાળુઓને રોકી દેવામાં આવ્યા હતા અને સ્થિતિ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી અહીંથી આગળ વધવા દેતા ન હતા આથી રાત્રી રોકાણ સંગમ તીર્થ ખાતે જ કર્યું છે. જામનગરના લગભગ 20 જેટલા યાત્રાળુઓ પણ આ સમયે યાત્રામાં અટવાયેલા હોવાનું તેમણે ઉમેર્યું હતું.
દક્ષિણ કશ્મીરમાં આવેલા પવિત્ર અમરનાથ ગુફા પાસે શુક્રવારે સાંજે આભ ફાટતા અચાનક આવેલા પુરના કારણે કેટલાય લોકો તણાઈ ગયા છે અને લગભગ 16 જેટલા લોકોના મોત પણ થયા છે. એક અધિકારીએ તેની પુષ્ટિ કરતા જણાવ્યું છે કે, આ દુર્ઘટનામાં લગભગ 40 જેટલા લોકો ગાયબ છે. જ્યારે છ જણાને આજે સવારે બચાવી લેવાયા છે. ગત રોજ અમરનાથ ગુફાની નજીક વાદળ ફાટવાના કારણે ભારે માત્રામાં પાણી નીચે વહી રહ્યું હતું. પોલીસ તથા એનડીઆરએફના અધિકારીઓએ જણાવ્યું હતું કે, કેટલાય ટેંટ તથા સામૂહિક રસોઈ ઘર તૂટી ગયા છે.
અધિકારીઓએ જણાવ્યુ હતું કે, વરસાદના કારણે પહાડમાંથી પાણી અને મોટો પ્રવાહ વહેવા લાગ્યા હતા. એનડીઆરએફની એક ટીમ પ્રભાવિત વિસ્તારમાં તૈનાત છે. આ મોટી ત્રાસદીને જોતા ભારતીય સેનાએ મોર્ચો સંભાળી લીધો છે. જ્યાં હેલીકોપ્ટરની મદદ લેવાઈ રહી છે.