નાસાના જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપે સૌરમંડળની બહાર પ્રથમ વખત રેતીના વાદળને શોધી કાઢ્યા છે. વૈજ્ઞાનિકોએ તેને પૃથ્વીથી 40 પ્રકાશ-વર્ષ દૂર VHS 1256 b નામના ગ્રહ પર શોધી કાઢ્યું છે.
સંશોધકોએ વાદળોની હિલચાલનો અભ્યાસ કરવા માટે અત્યાધુનિક ટેલિસ્કોપનો ઉપયોગ કર્યો હતો. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ એક મહત્વપૂર્ણ શોધ છે, કારણ કે તે દર્શાવે છે કે અન્ય ગ્રહ પરના વાદળો પૃથ્વી પરના જળ વરાળના વાદળોથી કેવી રીતે અલગ હોઈ શકે છે. ટીમે પાણી, મિથેન અને કાર્બન મોનોક્સાઇડને ઓળખવા માટે વેબના ડેટાનો ઉપયોગ કર્યો હતો.
આ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડના પુરાવા પણ મળ્યા છે. આ અભ્યાસ ધ એસ્ટ્રોફિઝિકલ જર્નલ લેટર્સમાં પ્રકાશિત થયો છે. એક્સેટર યુનિવર્સિટીના પ્રોફેસર સાશા હિંકલેએ જણાવ્યું હતું કે ગ્રહની ઓછી ગુરુત્વાકર્ષણ તેના રેતીના વાદળોને દૃશ્યમાન બનાવે છે. આ વાતાવરણમાં લાંબા સમય સુધી ટકી રહે છે, જે ટેલિસ્કોપ માટે તેમને શોધવાનું સરળ બનાવે છે. અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે આ ગ્રહ માત્ર 150 મિલિયન વર્ષ જૂનો યુવાન ગ્રહ છે. આ એક બીજું કારણ છે કે તેનું આકાશ તોફાની છે.