ખાલિસ્તાની આતંકવાદના મુદ્દે ભારત અને કેનેડા વચ્ચેનો તણાવ સંપૂર્ણ રીતે સમાપ્ત થયો નથી. આ દરમિયાન એક બ્રિટિશ દૈનિક અખબારે અમેરિકી અધિકારીઓને ટાંકીને દાવો કર્યો છે કે અમેરિકાની ધરતી પર આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના પ્રયાસને નિષ્ફળ બનાવી દેવામાં આવ્યો છે અને ભારત પર ષડયંત્રમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે. તે જ સમયે, ભારતે પણ બુધવારે આ સમગ્ર મામલે પ્રતિક્રિયા આપી છે.
ભારતે કહ્યું કે તે સુરક્ષા બાબતો પર યુએસ પાસેથી મળેલી માહિતીને ગંભીરતાથી લે છે, કારણ કે તે તેની પોતાની રાષ્ટ્રીય સુરક્ષા ચિંતાઓને પણ અસર કરે છે. MEAના પ્રવક્તા અરિન્દમ બાગચીએ જણાવ્યું હતું કે, ભારત-યુએસ સુરક્ષા સહયોગ પર તાજેતરની ચર્ચા દરમિયાન, યુએસ પક્ષે સંગઠિત ગુનેગારો, બંદૂક ચલાવનારાઓ, આતંકવાદીઓ અને અન્યો વચ્ચેના જોડાણથી સંબંધિત કેટલીક માહિતી શેર કરી હતી.
તેમણે કહ્યું કે આ માહિતી બંને દેશો માટે ચિંતાનો વિષય છે અને તેઓએ જરૂરી પગલાં લેવાનો નિર્ણય કર્યો છે. બાગચીએ કહ્યું, ભારત આવી માહિતીને ગંભીરતાથી લે છે, કારણ કે તે આપણા પોતાના રાષ્ટ્રીય સુરક્ષા હિતોને પણ અસર કરે છે.
શું છે સમગ્ર મામલો
એક બ્રિટિશ દૈનિક અખબારે એક અહેવાલમાં જણાવ્યું છે કે અમેરિકાએ ખાલિસ્તાની આતંકવાદી પન્નુની હત્યાના ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. અખબાર અનુસાર, યુએસ સરકારે ભારત પર આ ષડયંત્રમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે. આ સાથે ભારત માટે ચેતવણી પણ જારી કરવામાં આવી છે. જો કે, આ ઘટના ક્યારે બની તે અહેવાલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
બીજી તરફ, આ કેસમાં એક કથિત આરોપી વિરુદ્ધ ન્યૂયોર્ક ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સીલબંધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આરોપી કોણ છે તે સીલબંધ પરબીડિયું ખોલ્યા બાદ જ ખબર પડશે. હાલમાં, યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ ચર્ચા કરી રહ્યું છે કે શું આ સીલબંધ પરબિડીયું હવે ખોલવું જોઈએ અને આરોપો જાહેર કરવા જોઈએ કે પછી ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની તપાસ પૂર્ણ થયા પછી તેને ખોલવામાં આવશે. અખબારના અહેવાલ મુજબ, અમેરિકાએ ભારતને રાજદ્વારી ચેતવણી આપી હતી.