CJI Chandrachud: દેશના મુખ્ય ન્યાયાધીશ (CJI) જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે નેપાળ પહોંચ્યા છે, જે ભારતના વર્તમાન મુખ્ય ન્યાયાધીશની પ્રથમ નેપાળ મુલાકાત છે. આ દરમિયાન તેઓ તેમના નેપાળી સમકક્ષને મળશે અને બાળ અધિકારો પર એક સેમિનારને સંબોધશે. નેપાળના મુખ્ય ન્યાયાધીશ વિશ્વંભર પ્રસાદ શ્રેષ્ઠાના આમંત્રણ પર જસ્ટિસ ચંદ્રચુડ નેપાળ પહોંચ્યા છે.
શુક્રવારે કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચતા, નેપાળની સર્વોચ્ચ અદાલતના સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ ડૉ. આનંદ મોહન ભટ્ટરાઈએ તેમનું સ્વાગત કર્યું. નેપાળના સુપ્રીમ કોર્ટના પ્રવક્તા વેદ પ્રસાદ ઉપ્રેતીના જણાવ્યા અનુસાર, “ઇતિહાસમાં આ પ્રથમ વખત છે કે ભારતના કોઈ વર્તમાન મુખ્ય ન્યાયાધીશ નેપાળની સત્તાવાર મુલાકાતે આવ્યા હોય.”
શનિવારે કાઠમંડુમાં સેન્ટ્રલ ચાઇલ્ડ જસ્ટિસ કમિટી દ્વારા આયોજિત બાળ અધિકારો પરના રાષ્ટ્રીય સેમિનારમાં જસ્ટિસ ચંદ્રચુડ મુખ્ય વક્તા હશે. ઉપ્રેતિના જણાવ્યા અનુસાર, જસ્ટિસ ચંદ્રચુડ એ જ સાંજે નેપાળના મુખ્ય ન્યાયાધીશ સાથે મૈત્રીપૂર્ણ બેઠક કરશે.
તેમણે માહિતી આપી હતી કે નેપાળના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ શ્રેષ્ઠા તેમના ભારતીય સમકક્ષના સન્માનમાં રાત્રિભોજનનું પણ આયોજન કરશે. જસ્ટિસ ચંદ્રચુડ તેમની સત્તાવાર મુલાકાત પૂરી કરીને રવિવારે સ્વદેશ પરત ફરશે.