બોધગયામાં ચીનના જાસૂસના સમાચારે સમગ્ર પ્રશાસનમાં હલચલ મચાવી દીધી છે. બિહાર પોલીસે ચીની મહિલાનો સ્કેચ જાહેર કરીને તેની શોધખોળ તેજ કરી છે. મળતી માહિતી મુજબ, આ મહિલા ચીનની જાસૂસ હોઈ શકે છે અને તે બોધ ગયામાં દલાઈ લામાના પ્રવચન દરમિયાન જોવા મળી હતી. દલાઈ લામા આ દિવસોમાં બોધ ગયામાં છે.આ મહિલાનું નામ મિસ સાંગ સિઓન જણાવવામાં આવી રહ્યું છે.
ગયાના SSP હરપ્રીત કૌરે જણાવ્યું કે ગયા પોલીસને ઈનપુટ મળ્યો કે અહીં એક ચીની મહિલા રહે છે. છેલ્લા બે વર્ષથી તેના વિશે માહિતી મળી રહી હતી. પરંતુ અચાનક મહિલા ગુમ થઈ જાય છે જેનાથી શંકા વધી રહી છે. મહિલા ચીની જાસૂસ હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી. એસએસપીએ જણાવ્યું કે હોટલ, મઠ સહિત ઘણી જગ્યાએ તપાસ કરવામાં આવી રહી છે.
વાસ્તવમાં, બૌદ્ધ ધર્મના ગુરુ દલાઈ લામા હાલમાં બોધ ગયામાં એક મહિનાના રોકાણ પર છે. આવા સમયે જાસૂસીનો મામલો સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. જાસૂસીની આશંકાને પગલે પોલીસ દ્વારા આ મહિલાની શોધખોળ તેજ કરવામાં આવી છે. સાથે જ દલાઈ લામાની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. તેમની સુરક્ષા કોર્ડન વધુ મજબૂત બનાવવામાં આવી છે. હાલ શંકાસ્પદ જાસૂસની શોધ ચાલી રહી છે.