મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર હુમલાની ધમકી બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે. એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. જણાવી દઈએ કે સોમવારે ઈરફાન અહેમદ નામના વ્યક્તિએ ફોન કરીને એરપોર્ટ પર હુમલો કરવાની ધમકી આપી હતી. આરોપીએ પોતાને આતંકી સંગઠન ઈન્ડિયન મુજાહિદ્દીનનો સભ્ય ગણાવ્યો હતો. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
પીએમ મોદી મુંબઈના અંધેરી ઈસ્ટ વિસ્તારની મુલાકાત લે તેવી શક્યતા છે, જ્યાં તેઓ દાઉદી બોહરા સમુદાયની અરેબિક એકેડમીનું ઉદ્ઘાટન કરી શકે છે. દાઉદી બોહરા સમુદાયના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર ટ્વિટ કરવામાં આવ્યું છે કે તેઓ પરમ પવિત્ર સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન સાથે સ્ટેજ શેર કરી શકે છે.
મુંબઈ પ્રવાસ પર પીએમ મોદી મુંબઈના કોલાબામાં ઈન્ડિયન નેવીના બેઝની પણ મુલાકાત લઈ શકે છે. વડાપ્રધાનની મુલાકાતને કારણે શહેરમાં 10 ફેબ્રુઆરી સુધી ડ્રોન કે અન્ય કોઈપણ ફ્લાઈંગ એક્ટિવિટી પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, સોમવારે સાંજે જ મહારાષ્ટ્રના નાગપુરની બે હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. નાગપુર પોલીસ સ્ટેશન કંટ્રોલ રૂમ દ્વારા આ સંબંધમાં ધમકીભર્યો ફોન આવ્યો હતો. આરોપીની ઓળખ થવાની બાકી છે, પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.