મહારાષ્ટ્રના નાગપુરની સોલર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (SIL) કંપની પર સાયબર એટેક થયો છે. આ કંપનીનો મહત્વપૂર્ણ ડેટા હેક કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે આ કંપની ભારતીય સેના અને સંરક્ષણ ક્ષેત્રને શસ્ત્રો અને દારૂગોળો સપ્લાય કરતી કંપનીઓમાંની એક છે. આ સાયબર હુમલા બાદ જણાવવામાં આવી રહ્યું છે કે કંપની સંબંધિત સંવેદનશીલ ડેટાને ઓનલાઈન માર્કેટમાં વેચાણ માટે મુકવામાં આવ્યો છે. હેકરનો દાવો છે કે તેણે કંપનીના નાગપુર સર્વરમાંથી 2 TB ડેટાની ચોરી કરી છે.
રિપોર્ટ અનુસાર ચોરી કરવામાં આવેલી માહિતીમાં પિનાકા રોકેટ, બ્રહ્મોસ, આકાશ, અનેક હથિયારો, ખાણો, બોમ્બ અને અન્ય સંવેદનશીલ સંરક્ષણ ઉપકરણો સંબંધિત માહિતી, ડ્રોઇંગ, એન્જિનિયરિંગ ફોર્મ્યુલા અને ઓડિટનો સમાવેશ થાય છે.
સંવેદનશીલ માહિતી ડાર્કનેટ પર વેચાણ માટે મૂકવામાં આવી છે
જો કે આ અંગે કંપની તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ બેંગ્લોર સ્થિત સાયબર સિક્યોરિટી ફર્મ ક્લાઉડ સેક દ્વારા આ ડેટા લીકના સમાચારની પુષ્ટિ કરવામાં આવી છે. આ કંપની સાયબર સુરક્ષા સંબંધિત ઘટનાઓ પર નજર રાખે છે. રિપોર્ટ અનુસાર બ્લેક કેટ અથવા આલ્ફા વી નામના હેકર્સ ગ્રુપે સોલર ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ પર આ રેન્સમવેર એટેક કર્યો છે. આ હુમલામાંથી ચોરાયેલી કેટલીક માહિતી ડાર્કનેટ પર વેચાણ માટે મૂકવામાં આવી રહી છે.
સીબીઆઈને જલ્દી સોંપાશે, કેસની તપાસ
એવા અહેવાલો પણ સામે આવી રહ્યા છે કે હથિયારોની સપ્લાય ચેઇન સાથે જોડાયેલી માહિતી છે. કંપનીના મેનેજમેન્ટ સાથે જોડાયેલા મહત્વના હોદ્દા પર બેઠેલા લોકોની અંગત માહિતી પણ ચોરાઈ છે. નાગપુર સિટી સાયબર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. હવે આ કેસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશનને સોંપવાની તૈયારીઓ થઈ રહી છે.