- દેશના અગ્રણી ઉદ્યોગપતિનું 83 વર્ષની ઉંમરે નિધન
- રાહુલ બજાજને પદ્મભૂષણથી નવાજવામાં આવ્યાં હતાં
- છેલ્લાં ઘણાં સમયથી કેન્સરથી પીડાતા હતા
દેશના ટોચના ઉદ્યોગપતિ અને બજાજ સમૂહના મોભી રાહુલ બજાજનું લાંબી માંદગી બાદ નિધન થયું છે. છેલ્લા કેટલાક વર્ષોથી તેઓ કેન્સર સામે લડી રહ્યાં હતાં. 50 વર્ષથી વધુ સમય સુધી તેઓ બજાજ સમૂહના ચેરપર્સન રહી ચૂક્યાં છે. ઉદ્યોગજગતની સાથે તેઓ રાજ્યસભાના સાંસદ પણ રહી ચૂક્યાં છે. 2001માં તેમને પદ્મભૂષણથી નવાજવામાં આવ્યાં હતાં.
ભારતના અગ્રણી ઉદ્યોગપતિ રાહુલ બજાજનું આજે નિધન થયું હતું. તેઓ 83 વર્ષના હતા. બજાજ મોટરસાઈકલના કારણે ઘરોઘરમાં તેમનું નામ જાણીતું છે. એ ઉપરાંત તેઓ પોતાના બેખોફ નિવેદનો અને સરકાર વિરોધી વલણ રજૂ કરવા માટે જાણીતા હતાં. બજાજ ગ્રૂપના વર્ષો સુધી ચેરમેન રહેલા રાહુલ બજાજનો જન્મ 1938ની 10મી જૂને કલકતામાં થયો હતો. તેમના દાદા જમનાલાલ બજાજ ગાંધીજીના સાથીદાર હતા અને આઝાદીના મોટા લડવૈયા હતાં.
1965માં બજાજ ગ્રુપની સંપૂર્ણ જવાબદારી રાહુલ બજાજે સંભાળી લીધી હતી. તેમના નેતૃત્વમાં બજાજ ઓટોનું ટર્નઓવર 7.2 કરોડથી 12 હજાર કરોડ સુધી પહોંચ્યું હતું અને તે સ્કૂટરનું વેચાણ કરનારી દેશની અગ્રણી કંપની બની ગઈ હતી. 2005 માં રાહુલના દીકરા રાજીવને કંપનીના સુકાનની શરૂઆત કરી હતી. ત્યારે તેમણે રાજીવને બજાજ ઓટોના મેનેજીંગ ડિરેક્ટર બનાવ્યા હતાં. ત્યાર બાદ ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીઝમાં કંપનીના પ્રોડક્ટની માંગ ઘરેલું ઉપરાંત આંતરરાષ્ટ્રીય બજાર સુધી પહોંચી ગઈ હતી.
તેઓ પુનામાં નિવૃત્ત જીવન ગાળતા હતાં અને છેલ્લાં ઘણાં સમયથી કેન્સરથી પણ પીડાતા હતા. આઝાદી પછી ભારતમાં જ્યારે નવા નવા ઉદ્યોગોની કમી હતી ત્યારે રાહુલ બજાજે ઓટોમોબાઈલ ક્ષેત્રે ક્રાતિ સર્જી હતી. બજાજ ગ્રૂપની 1926માં સ્થાપના થઈ હતી અને ભારતમાં આજે સૌથી વધારે વેચાતા ટુવ્હિલરોમાં બજાજનો સમાવેશ થાય છે.