સરકારે વેક્સિનના બીજા ડોઝ અને બૂસ્ટર ડોઝ વચ્ચેની ગેપ ઘટાડયો
બન્ને ડોઝ વચ્ચે 90 દિવસનું રાખ્યું અંતર
પહેલા આ અંતર 9 મહિનાનું હતું
સરકાર દ્વારા કોરોના વેકિસનના બુસ્ટર ડોઝને લઈ મોટો નિર્ણય લીધો છે. વિદેશ પ્રવાસે જનાર લોકો માટે અત્યાર સુધી તો બીજા ડોઝ અને બૂસ્ટર ડોઝ વચ્ચેનું અંતર 9 મહિના હતું પરંતુ હવે તે ઘટીને 3 મહિના કરવામાં આવ્યું છે. સત્તાવાર સૂત્રોએ એવું જણાવ્યું છે કે વિદેશ જતા લોકો હવે કોરોના વેક્સિનના બીજા ડોઝ અને બૂસ્ટર વચ્ચે હવે 90 દિવસ એટલે કે ત્રણ મહિનાનું અંતર રાખી શકશે, કેન્દ્ર સરકારે અંતર ઘટાડવાનો નિર્ણય કર્યો છે. વિદેશી મુસાફરો માટે સાવચેતીના ડોઝ અંગેના ધોરણોને હળવા કરવાનો નિર્ણય નેશનલ ટેક્નિકલ એડવાઇઝરી ગ્રુપ ઓન ઇમ્યુનાઇઝેશન (એનટીએજીઆઈ) ની ભલામણો પર આધારિત હતો, એમ સૂત્રોએ માહિતી આપી હતી.સૂત્રએ પીટીઆઈને જણાવ્યું હતું કે, “બુધવારે આ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી અને એનટીએજીઆઈએ ભલામણ કરી છે કે જેમને વિદેશ પ્રવાસ કરવાની જરૂર છે તેઓ નિર્ધારિત નવ મહિનાના પ્રતીક્ષા સમયગાળા પહેલાં બૂસ્ટર શોટ લઈ શકે છે. કોરોના વેક્સિનનો બીજો ડોઝ લેનાર 18 વર્ષથી ઉપરના તમામ લોકો હવે બૂસ્ટર ડોઝ લેવા માટે પાત્ર છે.
ગઇ કાલના મુકાબલે આજે દેશમાં કોરોના સંક્રમણમાં થોડોક ઘટાડો થયો છે. દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના આજે નવા 3451 કેસ નોંધાયા છે. જ્યારે 40 લોકોના મોત થયા છે. તો એક્ટિવ કેસ 20 હજારને પાર પહોંચી ગયા છે.શનિવારે દેશમાં નવા 3,805 કેસ નોંધાયા છે. આજના કેસ ગઈ કાલ કરતા 9 ટકા ઓછાં છે. ગઈ કાલે દેશમાં મૃત્યુઆંક 22 હતો, જ્યારે આજના આંકડા મુજબ છેલ્લાં 24 કલાકમાં કોરોનાના મૃત્યુઆંકમાં વધુ 40 લોકોના મોત થયા છે.
એક્ટિવ કેસની વાત કરીએ, તો સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, હાલમાં ભારતમાં એક્ટિવ કેસની સંખ્યા 20,635 છે. એક્ટિવ કેસોનો દર 0.05% પર ચાલી રહ્યો છે. આ સાથે જ રિકવરી રેટ 98.74% છે. છેલ્લાં 24 કલાકમાં 3,079 દર્દીઓ કોરોનામાંથી સાજા થયા છે. મહામારીની શરૂઆતથી દેશમાં અત્યાર સુધીમાં 4,25,57,495 લોકો કોવિડમાંથી સ્વસ્થ થઇ ગયા છે.